ભાવનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પીવાના પાણી અને ડ્રેનેજ અંગે મહાનગર પાલિકામાં અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકો રોષે ભરાયા હતાં. ગઈ કાલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય જીતુ વાઘાણીને લોકોએ ઘેરી લીધા હતાં અને પાણી તથા ડ્રેનેજ અંગેની રજૂઆતો કરી હતી.
લોકોએ જીતુ વાઘાણીને ઘેરીને રજૂઆતો કરી
ભાવનગરના કુંભારવાડામાં આયોજિત એક કાર્યક્રમમાં ગઈકાલે ધારાસભ્ય જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન સ્થાનિક લોકોનું ટોળુ આ કાર્યક્રમમાં પહોંચીને ધારાસભ્યને ઘેરી વળ્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ જીતુ વાઘાણી સમક્ષ પીવાના પાણી અને ડ્રેનેજ લાઈન સહિત પાયાની સુવિધાઓ નહીં મળતી હોવાની રજૂઆતો કરી હતી. આ દરમિયાન લોકોએ આકરી રીતે રજૂઆતો કરતાં જીતુ વાઘાણીએ મીડિયાના કેમેરા બંધ કરવાનો ઈશારો કરતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
લોકોને એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે
કાર્યક્રમમાં રજૂઆત માટે પહોંચેલા સ્થાનિક રહીશોની માંગ હતી કે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા, ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ બાબતે અનેક રજુઆત બાદ પણ નિરાકરણ આવતું નથી. મહાનગરપાલિકા તમામ પ્રકારના ટેક્સ વસુલે છે પરંતુ સુવિધાઓના નામે કશું જ મળતુ નથી. જો કે ચાલુ કાર્યક્રમમાં જીતુભાઈને રજુઆત કરવા સ્થાનિક રહીશો પહોંચતા તેમણે મીડિયાના કેમેરા બંધ કરવા માટે ઈશારો કર્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.









