ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી સિહોર દ્વારા દૂધ ખરીદભાવમા રૂ.10 નો વધારો કરાતા પશુપાલકોમા આનંદ છવાયો છે. 1 લી માર્ચથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને રૂ. 10 વધતા હવે કીલો ફેટે રૂ.830 મળશે.
સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની મિટિંગમા ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતાં, હાલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા તેમજ પશુપાલન વ્યવસાય વધારે નફકારક બને, સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચુ આવે તેવા હરહંમેશ પ્રયત્નો કરી જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે. હાલ કીલોફેટે રૂ. 820/- ચૂકવાય રહ્યા છે તેમાં રૂ. 10/- નો વધારો કરી તા.1-3 થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ. 830/- કરવામાં આવેલ છે. માર્ચ-2024 માં દૂધ ખરીદભાવ રૂ. 780/- મળતો હતો જેની સરખામણીએ માર્ચ- 2025 માં 50/- રૂ.વધારે મળે છે. આ ભાવવધારાથી ફેબ્રુઆરી મહિનામાં દૂધ ઉત્પાદકોને દોઢ કરોડ જેટલી વધારે રકમ મળશે. જેથી દૂધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાય નફકારક બનશે. સર્વોત્તમ ડેરી દ્વારા રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહી જિલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં અમૂલ્ય ફળો રહેલ છે.










