મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારોહ યુનિ.ના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ , ધર્મ વ્યાખ્યા પરિભાષિત કરતા જણાવ્યુ હતુ કે, 'આપણા આત્માને બીજાના આત્મામાં જુઓ અને પ્રાણી માત્રના કલ્યાણ માટે કાર્ય કરવું તે ધર્મ છે'.


 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, તમારા માતા-પિતા અને ગુરુજનોએ તમને સારુ શિક્ષણ અપાવ્યું છે ત્યારે સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. તમે જે વિષયનું શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ઉપયોગ કરીએ તે જરૂરી છે.આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ દેશની ઉન્નતિ અને ભવિષ્ય નિર્માણમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપે તે જરૂરી છે.

પ્રાચીન ગુરૂકૂળ પરંપરાના મહત્વને રેખાકિંત કરતા રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેઓએ જણાવ્યું હતું.

તેઓએ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી શિક્ષા અને સિદ્ધિઓ પોતાના પૂરતી સીમિત ન રાખતા લોકઉપયોગી થાય, જેમાં લોકોનું કલ્યાણ થાય એ દિશામાં ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.

 રાજ્યપાલએ શિક્ષણ અને ધર્મનો સાચો મર્મ સમજાવતા કહ્યું કે, જેને ધારણ કરીએ તે ધર્મ, સત્ય અને અસત્યમાંથી જે ટકી શકે એ જ ધર્મ. પ્રાણી માત્રને દુઃખ આપવું એ અધર્મ છે. વેદોમાં પણ કહ્યું છે કે, આપણા આત્માને બીજાના આત્મામાં જુઓ અને પ્રાણી માત્રના કલ્યાણ માટે કાર્ય કરવું એ જ ધર્મ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મેયર ભરતભાઇ બારડ, પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, યુનિ.ના કુલપતિ ડૉ. બી.બી.રામાનુજ, પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. એમ.એમ.ત્રિવેદી, ડૉ. ગિરીશભાઈ પટેલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 44 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 34 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ-90 વિદ્યાર્થીઓને 88 મેડલ એનાયત તથા 12 વિદ્યાશાખાના 13,965 વિદ્યાર્થીઓને ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી ડિગ્રી સર્ટિફ્કિેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળઃ કૅન્દ્રીય મંત્રી

દિક્ષાંત સમારોહમા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતુ કે, આજનો દિવસ શૈક્ષણિક ઉત્સવનો છે, આજના પદવીદાન સમારોહમાં 88 પૈકી 62 જેટલાં મેડલ્સ તો માત્ર બહેનોએ મેળવ્યાં છે. જે દર્શાવે છે કે, આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સફ્ળતા હાંસલ કરી રહી છે. તેમણે કહ્યું હતુ કે, આજે પદવી મેળવ્યાં બાદ તમારી જવાબદારી વધે છે એટલે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

છાત્રોએ વ્યસનોની બદીથી દૂર રહેવુ જોઈએ : શિક્ષણ મંત્રી

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરીને વિનય, વિવેક, સત્ય પ્રાપ્તિ, નિષ્ઠાના ગુણો સાથે તમે બહાર જઈ રહ્યાં છો ત્યારે ભારતની સાંસ્કૃતિક ધરોહરની વિરાસતને ઉજાગર કરવાનું કામ કરીએ.તેમણે ઉમેર્યું કે, ભાવનગર શહેરમાં કલા- સંસ્કૃતિ અને સાહિત્યનું માન-સન્માન થાય છે ત્યારે વ્યસનોની બદીથી દૂર રહેવા અને દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

આ પદવી જ્ઞાન, પરિશ્રામ અને નિષ્ઠાનુ પ્રમાણપત્ર : કુલપતિ

ભાવનગર યુનિ.ના નવનિયુક્ત કુલપતિ ડૉ. ભરતભાઈ બી.રામાનુજે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની સિધ્ધિઓ દાયિત્વમા પરિવર્તિત થવા જઈ રહી છે. આ પદવી જ્ઞાન, પરિશ્રામ અને નિષ્ઠાનુ પ્રમાણપત્ર છે. યુનિ. વૈજ્ઞાનિક, સાહિત્યિક અને આધ્યાત્મિક પરંપરાઓથી સમૃધ્ધ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ દ્વારા આપણે પુનઃ જાગરણની દિશામા આગળ વધી રહ્યા છીએ. યુનિ. સાથે વંદનીય એવા રાજવી કૃષ્ણકુમારસિહજીનુ નામ જોડાયેલુ છે, જે આવતા દિવસોમા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે પ્રેરક બળ પુરૂ પાડશે.


  • Follow us on: