ભુજ તાલુકાનાં ખેડૂતો માટે પોતાનાં ઉત્પાદનનાં પૂરતા ભાવો મળી રહે તે માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે. જેને કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ભુજ એપીએમસીને છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિક્રમજનક કહી શકાય તેટલી આવક થવા પામી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન એપીએમસીને રૂ. ૩.૭૫ કરોડની આવક થવા પામી હતી. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રૂ. ૪.૧૬ કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ ૩૦ ટકા વધુ છે. જેની પાછળનું કારણ એપીએમસી દ્વારા ખેડૂતોને અપાતી વિવિધ સેવાઓ કારણભૂત છે.
આ બાબતે એપીએમસીનાં ચેરમેન હઠુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ એપીએમસી ખાતે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમ્યાન ટેક્સ, વપરાશ, ભાડા, વ્યાજ સહિતની મળીને રૂ. ૪.૧૬ કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ ૩૦ ટકા વધુ છે. તેની પાછળનું કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પૂરતા ભાવો મળી રહે તેની સાથે સાથે જરૂરિયાત મુજબની તમામ પ્રકારની સુવિધાઓ પણ મળી રહેતી હોવાને કારણે ખેડૂતો એપીએમસીનો મહતમ લાભ લઇ રહ્યા છે.
ખાસ કરીને એપીએમસી હસ્તકનાં શાકભાજી વિભાગનાં શેડ તેમજ રસ્તાઓને મળીને સંપૂર્ણપણે સીસી બનાવવામાં આવ્યા છે. જેને કારણે ધૂળ ઉડવા સહિતનો કોઇ પ્રશ્ન રહે નહીં. વળી, રોડ ટચ ૧૫ જેટલી દુકાનો પણ ફાળવવામાં આવી છે. એક નવો આંતરિક રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો છે, જેની પણ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જે શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતો, વેપારીઓને ઉપયોગી બની રહેવા પામશે. મુખ્યત્વે ખેડૂતોને તેમના ઉત્પાદનનાં વેચાણ માટે સરળતા રહે તે બાબતને અહીં પ્રાથમિક્તા આપવામાં આવી રહી છે.
ખેડૂતો, મજદૂરોને એપીએમસીમાં રાહતદરે ભોજન માટે કેન્ટીન શરૂ
દૂરદરાજ ગામોમાંથી આવતા ખેડૂતોને શુદ્ધ ભોજન અને તે પણ રાહતદરે મળી રહે તે માટે એપીએમસીમાં જ કેન્ટીનની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેનો લાભ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મજૂરો, સ્થાનિક વેપારીઓને પણ મળી રહેવા પામશે. પરિણામે ખેડૂત, મજૂરો સહિતનાં લોકોને ભોજન માટે હવે છેક ગામમાં લાંબા થવંુ નહીં પડે. કારણ કે, એપીએમસીમાં જ વિશાળ ભોજન કક્ષ બનાવવામાં આવ્યો છે. આ નવી સુવિધાને ખેડૂતો, મજૂરો, વેપારીઓ દ્વારા આવકારમાં આવી છે.
એપીએમસીમાં ખેડૂતો માટે રૂ.૫.૫૦ કરોડનાં ખર્ચે વેરહાઉસ બનશે
એપીએમસી હસ્તકની બાજુમાં જ આવેલી ૪ એકર જમીન ઉપર ખેડૂતો માટે વિશાળ વેરહાઉસ તૈયાર કરવામાં આવશે. અંદાજિત ૪૦થી ૫૦ ફૂટનાં બનનારા વેરહાઉસનો ખેડૂતોને તેમના માલનાં સંગ્રહ માટે પણ ઉપયોગી સાબિત થશે. રૂ.૫.૫૦ કરોડનાં ખર્ચે નિર્માણ થનારા આ શેડ માટે સરકાર દ્વારા રૂ. ૧.૪૧ કરોડની સબસિડી પણ આપવામાં આવી છે. આ શેડનાં નિર્માણ માટે ટેન્ડરની પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં જ બાંધકામની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.
દૂરદરાજથી આવતાં ખેડૂતોને વિશ્રાામ માટે ગેસ્ટ હાઉસની પણ સુવિધા
એપીએમસી ખાતે દૂરદરાજથી આવતાં ખેડૂતો, વેપારીઓને સ્થાનિકે જ વિશ્રાામ કરવા માટે જરૂરી સુવિધા મળી રહે તે માટે ગેસ્ટ હાઉસની પણ વ્યવસ્થા મોજૂદ છે, તેનો પણ ખેડૂતો લાભ લઇ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને જરૂરિયાતને ધ્યાને લઇને તમામ પ્રકારની સુવિધાઓ એપીએમસીમાં જ ઉપલબ્ધ કરવામાં આવી હોવાને કારણે પણ ખેડૂતોને એપીએમસી તેમના ઉત્પાદનોના વેચાણ માટે ઉપયોગી બની રહી છે. વળી, ઉત્પાદનોનાં પૂરતા ભાવો પણ મળી રહ્યા છે.
આણંદપર ખાતે કેરી-દાડમ માટે બે એકરમાં સબયાર્ડ બનાવાશે
એપીએમસી દ્વારા ખાસ કરીને નખત્રાણા પંથકનાં કેસર કેરી તેમજ દાડમ સહિતના પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોને સ્થાનિકે જ બજાર મળી રહેવા પામે તે માટે બે એકરમાં સબયાર્ડ બનાવવામાં આવશે. આ માટે સરકાર દ્વારા જમીન ફાળવી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેના પ્લાન અને એસ્ટિમેન્ટ તૈયાર કરવામાં આવશે. આ સબયાર્ડ તૈયાર થયેથી કેસર કેરી- દાડમનું ઉત્પાદન કરતાં ખેડૂતોને તેનો મહતમ લાભ મળી રહેવા પામશે.