- રાજયમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
- સાબરકાંઠામાં રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી
- નવી મેત્રોલ ગામે CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
આજે આદિવાસી દિવસ હોવાથી રાજયકક્ષાના કાર્યક્રમની ઉજવણી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરકાંઠાના નવી મેત્રોલ ગામે કરાઈ છે,આજે સીએમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાશે સાથે સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે,સીએમ ઈડર પાંજરાપોળની હીરાબા વાટીકાની મુલાકાત કરશે જેમાં વાટીકામાં 10 હજાર સરગવાના છોડનું કરાયું છે વાવેતર.દેશની પ્રથમ બાળ ગોપાળ બચતની લેશે મુલાકાત.
9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ
વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી.
આજે તુર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે
આદિજાતિ સમુદાયોની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણનો વિકાસ થાય તેમજ આદિજાતિ સંસ્કૃતિની જાળવણી કરવાના આશયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુક્ત ઉપક્રમે તુર નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ૫.૪૫ કલાકે SoU કેમ્પસમાં તેમજ સાંજે ૭.૦૦ કલાકે બસ બે ખાતે ધોડિયા જનજાતિના વિશિષ્ટ શૈલીના તુર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે.
જાણો શું છે આદિવાસી તુર નૃત્ય
તુર નૃત્ય એ ધોડિયા જનજાતિનું પ્રચલિત નૃત્ય છે, જે તેઓ વર્ષોથી પરંપરાગત રીતે કરતા આવ્યા છે. આ નૃત્ય ધોડિયા જનજાતિની ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ભાવના સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળમાં ખાસ તો તુર નૃત્ય સ્મશાન યાત્રા દરમિયાન થતું હતું, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિના શબને સ્મશાન સુધી તુર એટલે કે નાનો ઢોલ વગાડીને નાચતા નાચતા લઇ જવામાં આવતું અને ત્યારબાદ સ્મશાનેથી તુર વગાડીને પાછા ઘરે આવતા. સ્મશાન યાત્રા દરમિયાન તુર નૃત્ય કરવા પાછળ ધોડિયા જનજાતિનો હેતુ એ છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સ્વર્ગની યાત્રાએ નીકળી રહ્યો છે, તો તે રાજીખુશીથી સ્વર્ગ તરફ પ્રયાણ કરે અને સંસારની માયાજાળમાંથી મુક્ત થાય. સ્મશાન યાત્રા ઉપરાંત, ધોડિયા જનજાતિના લોકો માતાની વરસી, લગ્ન પ્રસંગ જેવા વિવિધ અવસરો તેમજ હોળી, દિવાળી, મકરસંક્રાંતિ વગેરે જેવા તહેવારો પર પણ તુર નૃત્ય કરીને ખુશી અને આનંદ વ્યક્ત કરે છે.









