મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલ ખાતે 'પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ' લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટી મીડિયા શો નિહાળ્યો હતો. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા શહેરના મેયર પ્રતિભા બહેન જૈને પણ દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલ મલ્ટિમીડિયા શો આધારિત ગુજરાતી નાટક નિહાળ્યું હતું.


અહિલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર અને ઢાલ લઈને સંગ્રામ ખેલ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સેનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણા ઇતિહાસમાં અનેક વીર યોદ્ધાઓ અને વીરાંગનાઓ બહાદુરીથી લડાઈ લડીને વિજેતા થયાનાં ઉદાહરણો છે. પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર પણ બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતા. જે સમયે રણભૂમિમાં પુરુષોનું આધિપત્ય હતું તેવા સમયે અહિલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર અને ઢાલ લઈને સંગ્રામ ખેલ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.

સુશાસનનો વિશ્વાસ અને અદભુત આદર્શો સ્થાપિત કર્યાં
જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે વખત આવ્યે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે એ દેવી અહિલ્યાબાઈ એ પુરવાર કર્યું છે, એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પુણ્યશ્લોક અહિલ્યાબાઈની નારી સશક્તિકરણની વિરાસતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્ર સાથે આગળ ધપાવી છે. દેવી અહિલ્યાબાઈની યુદ્ધ કુશળતા અને વ્યૂહાત્મક અભિગમની હંમેશાં પ્રસંશા થતી હતી. તેમના શાસનકાળ દરમિયાન તેમણે સુશાસનનો વિશ્વાસ અને અદભુત આદર્શો સ્થાપિત કર્યાં હતા.

જાહેરહિતને લગતા વિષયો પર પ્રેરણાદાયી કાર્ય કરીને તેમણે ઉદાહરણ સ્થાપિત કર્યું
દેવી અહિલ્યાબાઈના અમૂલ્ય યોગદાન વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં સુશાસનની સાથોસાથ ન્યાય, શિક્ષણ, સમાજ કલ્યાણ, ધાર્મિક કલ્યાણ, જળ સંરક્ષણ જેવા જાહેરહિતને લગતા વિષયો પર પ્રેરણાદાયી કાર્ય કરીને તેમણે ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેમણે મહિલાઓ અને સમાજના નબળા વર્ગના લોકોના કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યાં હતાં. આપણી વિરાસતો અને ધર્મના રક્ષણમાં દેવી અહિલ્યાબાઈ હોલકરનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે. કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર જેવા મહત્ત્વપૂર્ણ ધાર્મિકસ્થાનોનું નવીનીકરણ અને પુનઃનિર્માણ પણ તેમણે કરાવ્યું હતું.

સ્મારક ટપાલ ટિકિટ અને ૩૦૦ રૂપિયાનો ખાસ સિક્કો દેવી અહિલ્યાબાઈની સ્મૃતિમાં બહાર પડયો
આ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેવી અહિલ્યાબાઈએ સમાજ કલ્યાણ ક્ષેત્રે પણ ઘણી મહત્ત્વની પહેલ કરી હતી. તેમણે આદિવાસી અને ગરીબ મહિલાઓ માટે હાથ વણાટની મહેશ્વરી સાડીનું બહેનો દ્વારા ઉત્પાદન કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ વિકાસ સાથે વિરાસતને જાળવવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાને તેમની સ્મારક ટપાલ ટિકિટ અને ૩૦૦ રૂપિયાનો ખાસ સિક્કો દેવી અહિલ્યાબાઈની સ્મૃતિમાં બહાર પાડ્યો છે.

સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સહિત ધાર્મિક અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે મહામૂલું પ્રદાન કર્યું હતું
આપણે સૌ દેવી અહિલ્યાબાઈના જીવનમાંથી પ્રેરણા લઇને સમરસ, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ એમ જણાવીને મુખ્યમંત્રીએ સનાતન સંસ્કૃતિની વિરલ વિભૂતિ દેવી અહિલ્યાબાઈના જીવન પર આધારિત 'પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ' લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શોના આયોજન બદલ રાજ્યના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમને બિરદાવ્યો હતો. શહેર પ્રદેશ અધ્યક્ષ પ્રેરક શાહે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકારતા જણાવ્યું હતું કે દેવી અહિલ્યાબાઈ હોલકરજીએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સહિત ધાર્મિક અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે મહામૂલું પ્રદાન કર્યું હતું.

અમદાવાદ શહેરના ધારાસભ્યો રહ્યાં હાજર
અત્રે ઉલ્લેખનીય છે કે દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સહયોગથી અમદાવાદના વસ્ત્રાલ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે 'પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ' લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. 'પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ' લાઈટ એન્ડ સાઉન્ડ મલ્ટિમીડિયા શો નિદર્શન પ્રસંગે રાજકીય અગ્રણી રત્નાકરજી, સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેરના ધારાસભ્યો, શહેરના ડેપ્યૂટી મેયર , સ્થાનિક કાઉન્સિલરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મેયરો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: