• દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં ઉપસ્થિત
  • બેઠકમાં જે.પી.નડ્ડા અને અમિત શાહ પણ હાજર

દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠક શરૂ,આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી નડ્ડા ઉપસ્થિત રહ્યાં. ભાજપ કોર કમિટીની બેઠકમાં બાકી રહેલા 4 ઉમેદવારોના નામને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે.લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે.ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.ભાજપ દ્વારા ઉમેદવારોની બે યાદી(267 ઉમેદવાર) જાહેર કરાઈ ચૂકી છે જેમાં ગુજરાતમાંથી લોકસભાના 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે 4 બેઠકો પર ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા-વિચારણા કરાઈ રહી છે. આ વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે.દિલ્હીની કોર કમિટીની બેઠકમાં રાજ્યના લોકસભા બેઠકની ચાર બેઠકો અને પેટાચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરાઈ. ત્યારબાદ આ તમામ ઉમેદવારોના નામ જાહેર થશે. મોવડીમંડળથી લઇને હાઇકમાન્ડ સુધી ઉમેદવારની પસંદગીના તમામ પાસા ચકાસવામાં આવી રહ્યા છે. આ તમામ બેઠકો પર નવા ચહેરાને મોકો આપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે, ચારમાંથી બે બેઠક પર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે.

ચાર બેઠકો પર મંથન

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાં 26 માંથી 22 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. પરંતુ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા અને અમરેલી આ ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા નથી. હાલ આ બેઠકો પર મંથન ચાલી રહ્યું છે.તો ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.કોંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધીમાં 26 માંથી 7 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, પોરબંદર, બારડોલી અને વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે.


ગુજરાતમાં પાંચ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં લોકસભાની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. આ પેટાચૂંટણીમાં ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણી થશે. ધારાસભ્યોના રાજીનામાં બાદ ખાલી પડેલી ગુજરાતની છ બેઠકોમાંથી હાલ પાંચ બેઠક વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે પેટાચૂંટણી યોજાશે. જોકે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત નથી થઈ.ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે.

ગુજરાત સિવાય ચાર રાજયોમાં વિધાનસભા ચૂંટણી

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જોકે ચૂંટણી પંચે સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી પરિણામ બીજી જૂને જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.