સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે,જેમા મોટાભાગના બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ ફેક નીકળ્યા હોવાની વાત સામે આવી છે,65 વ્યકિતઓના ફોનમાંથી બાંગ્લાદેશઓના નંબર મળી આવ્યા છે અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે,રૂ.17-25 હજાર આપીને ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, ગઈકાલે સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.
ગઈકાલે હર્ષ સંઘવીએ જિલ્લા એસપી સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી
સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.
ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.









