ડાયમંડ નગરી કહેવાતા સુરત શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ કરવાની ઘટના સામે આવી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે અને હવે લોકો ઘરની બહાર પગ મુકતા પહેલા પણ વિચાર કરે છે તો શહેરમાં પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


રેકી કરી બેઠેલા બે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

તમને જણાવી દઈએ કે સુરત શહેરના પુણા વિસ્તારમાં ચપ્પુની અણીએ રૂપિયા 3.50 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. લેસની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણીને ચપ્પુ મારીને રૂપિયા 3.50 લાખની લૂંટ કરવામાં આવી છે. ધ્રુવિન વાસાણી નામનો કર્મચારી કોટક બેન્કમાંથી રૂપિયા ઉપાડીને ગોડાઉનમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન આ લૂંટની ઘટના બની છે. જ્યાં રેકી કરીને બેસેલા 2 અજાણ્યા શખ્સોએ ધ્રુવિન પર ચપ્પુથી હુમલો કર્યો અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. અચાનક પોતાના પર થયેલા હુમલાને લઈને ધ્રુવિન ગભરાઈ ગયો અને કંઈ પણ વિચારે તે પહેલા લુંટારાઓ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી તપાસ આરંભી

ઉલ્લેખનીય છે કે બંને લુંટારાઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેથી તેમને સ્પષ્ટ ચહેરો પણ કર્મચારી જોઈ શક્યો નહતો. ત્યારે હાલમાં આ લુંટની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારી ધ્રુવિનને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને લુંટની આ સમગ્ર ઘટના મામલે પુણા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે અને લુંટારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

  • Follow us on: