- લગ્નમાં ફોટોગ્રાફી કરી પરત ફરતાં કારચાલકે ટક્કર મારી
- ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો
- પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર રસાણા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જેન્તીભાઈ ગીરધરભાઈ માળી કુંભલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઈક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી કાર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક જેન્તીભાઈ રોડ પર પટકાતા તેમને માથા અને મોઢોના ભાગે ગંભીર ઈજા થતા લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેમનું કરૂણ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો સરકારી હોસ્ટિપલમાં પહોંચ્યા હતા. જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી થઈ જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતમાં ગાડી પણ પલ્ટી મારી હતી પરંતુ ગાડી સવાર ગાડીમાંથી નીકળી ફરાર થઈ જવા પામ્યો હતો. જોકે હાલતો પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










