- સંકલ્પ હોટલનું બિલ થયું વાયરલ
- 200 રૂપિયાની 1 ગ્લાસ છાશથી લોકોમાં રોષ
- તંત્રને ખાસ આયોજન કરવાની કરાઈ માંગ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું નહીં પરંતુ દેશ દુનિયામાં મોટું પ્રવાસન સ્થળ બનતું જાય છે. પરંતુ હાલમાં આ વિસ્તાર સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. અહીંની એક હોટલનું બિલ વાયરલ થયું છે અને જેના કારણે લોકોમાં તેની સતત ચર્ચા જોવા મળી રહી છે. જી હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની હોટલની અંદર 200 રૂપિયાની છાશ આપવામાં આવી હતી, ત્યારે 200 રૂપિયાની 1 ગ્લાસ છાશનું બિલ વાયરલ થયું હતું. લોકોએ મોંઘીદાટ છાશને લઈ ફેસબુક પર જાતજાતની કોમેન્ટ કરી હતી, ત્યારે સમગ્ર બાબતે સંદેશ ન્યુઝ દ્વારા વાયરલ જે બિલ છે એ બિલનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ સમયે જાણવા મળ્યું કે જે વાયરલ બિલ છે તેના એડ્રેસ પ્રમાણે ગરૂડેશ્વર ખાતે આવેલી સંકલ્પ હોટલનું છે ત્યારે સંકલ્પ હોટલમાં ખરેખર 200 રૂપિયા લેવામાં આવ્યા છે અને 200 રૂપિયાની કિંમત વિશે મેનેજરે વાત કરી છે.
હોટલના મેનેજરે શું કહ્યું
મેનેજરે કહ્યું કે 200 રૂપિયામાં 50 કે 100 મિલિ છાશ અપાતી નથી. પણ 200 રૂપિયાની છાશમાં પણ વેલ્યુએડિશન કરાયું છે. તેમાં જે વસ્તુ વપરાય છે તેના રૂપિયા લઈએ છીએ. આ સિવાય ગ્રાહકોને ખાસ સર્વિસની સાથે 400 મિલિ છાશ આપવામાં આવે છે. અમે તેના રૂપિયા લઈએ છીએ. બિલ વાયરલ થયું છે તેની પર વિચારણા કરીશું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા હજારો પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસીઓનું માનવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો છે તેમાં ખાવાપીવાની વસ્તુઓને ખૂબ જ વધારે કિંમતે વેચવામાં આવે છે. આ સાથે આટલું મોટું સ્થળ છે તો અહીં સસ્તા દરે ખાવા પીવાની વસ્તુઓ મળી રહે તે માટે તંત્રએ ખાસ આયોજન કરવું જોઈએ.









