• કંપની, ટ્રસ્ટો માંગે કંઈક અને મેળવે કંઈક એવું થતું અટકાવવા નિર્ણય

  • દબાણ, ફેન્સિંગ, બાંધકામ સ્પષ્ટ દેખાય તેવા ફોટગ્રાફ સાથે દરખાસ્ત કરવા આદેશ
  • સ્થળ- સ્થિતિ દર્શાવતુ સાક્ષીઓની સહીવાળુ અદ્યતન પંચરોજકામ પણ સામેલ રાખવુ પડશે

રાજ્યના મહેસૂલ વિભાગે સરકારી પડતર, ગામતળ, ગૌચરની જમીન અંગેની માંગણી દરખાસ્તમાં માંગણીવાળી જમીનની સ્થળ- સ્થિતિ સ્પષ્ટ થાય તે માટે બાયસેગ કે સેટેલાઈટ મેપ ફરજીયાત કર્યો છે. સોમવારે સરકારે પરિપત્ર કરીને તમામ કલેક્ટરોથી લઈને જમીનની માંગણી કરનારા ખાનગી અરજદારો, ટ્રસ્ટો, સંસ્થાઓ, કંપનીઓને આ બાબતે સુચિત કર્યા હતા.

હાલમાં ટ્રસ્ટો, સંસ્થા કે કંપની દ્વારા જ્યારે જમીનની માંગણી થાય ત્યારે દરખાસ્તમાં સ્થળ- સ્થિતિમાં સ્પષ્ટતાને અભાવે ઘણીવાળ 'માંગે કંઈક અને મળે કંઈક' એવુ થતુ. જેના કારણે ફાળવણીને તબક્કે અન્ય સર્વે નંબરો, માપણીને લઈને ભારે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. આ પ્રકારના વહિવટી ગુંચવાડા રોકવા સોમવારે મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી સુનિલ સલુજાની સહીથી પરિપત્ર થયો છે. જેમાં કહેવાયુ છે કે, સરકારી પડતર, ગામતળ, ગૌચરની જમીન વિવિધ ખેતી વિષયક, બિન ખેતી વિષયક હેતુઓ, શૈક્ષણિક કે અન્ય હેતુસર ખાનગી અરજદારો, ટ્રસ્ટ, સંસ્થાઓ કે કંપનીઓને બજાર કિંમત વસૂલીને, ટોકન દરે અથવા તો ભાડાપટ્ટે ફાળવણીની દરખાસ્તો રજૂ કરવામાં આવે ત્યારે એ માંગણીવાળી જમીનીની સ્થળ- સ્થિતિ સ્પષ્ટ થાય તે માટે દરખાસ્તમાં બાયસેગ કે સેટેલાઈટ મેપ સામેલ રાખવો પડશે. એટલું જ નહીં, માંગણીવાળી જમીનના અદ્યતન સ્થળ- સ્થિતિ, જમીન પર કોઈ પણ પ્રકારે દબાણ હોય, કોઈને કબ્જો હોય તો ફેન્સિંગ કે અન્ય દિવાલ કે બાંધકામ હોય તો તે પણ સ્પષ્ટપણે દેખાય તેવી ફોટોગ્રાફ પણ સામેલ કરવાના રહેશે. આ બંને જરૂરીયાતો ઉપરાંત માંગણીવાળી જમીનનું સર્કલ ઓફિસરે પ્રમાણિત સ્થળ- સ્થિતિ દર્શાવતુ સાક્ષીઓની સહીવાળુ અદ્યતન પંચરોજકામ પણ સામેલ રાખવુ પડશે.

ઉપરોક્ત ત્રણેય સુચનાઓનો અમલ કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દરખાસ્તોને તબક્કે જ કરવાનો રહેશે. જેથી, ફાળવણી કે નિર્ણયની પ્રક્રિયા તબક્કે માંગણીવાળી જમીનની સ્થળ- સ્થિતિ સ્પષ્ટ બની રહે.


  • Follow us on: