- અમરેલીમાં ભાજપનું પાટીદાર ફેક્ટર સામે આવ્યું
- વડોદરામાં યુવા અને પુરુષ નેતાની પસંદગી
- સાબરાકાંઠામાં સૌથી ચોંકવાનારું નામ સામે આવ્યું
ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વચ્ચે સાબરકાંઠાથી અને વડોદરાથી ઉમેદવાર બદલવામાં આવ્યા છે. જ્યારે મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલીમાં નવા જ ચહેરા સામે આવ્યા છે. જ્યારે જૂનાગઢ રાજેશ ચૂડાસમા રિપીટ કરવામાં આવ્યા છે. જેના સાથે જ ભાજપે નવું જ ગણિત રજુ કર્યું છે.
વડોદરામાં યુવા નેતાને ટિકિટ મળી
વાત જો વડોદરા લોકસભા બેઠકની કરવામાં આવે તો ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોષીની જાહેરાત કરવામાં આવી છે. ડો. હેમાંગ જોષી સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે. ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠક ઉપર કોઈપણ ઉમેદવાર આવે તે ઉમેદવારને મતદારો ચૂંટીને મોકલતા હોય છે. મતદારો ઉમેદવારને જોતા નથી, પરંતુ દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મત આપે છે, ત્યારે મને ચોક્કસ મતદારો પર વિશ્વાસ છે કે જે રીતે અગાઉ વડોદરા લોકસભાના ભાજપાના ઉમેદવારોને ચૂંટીને મોકલતા આવ્યા છે, તે રીતે મને પણ મતદારો જંગી બહુમતીથી જીતાડીને મોકલશે. હું પણ એક સરકારી શાળામાં અભ્યાસ કરીને જ આ સ્તરે પહોંચું છું. હું સાંસદ બનીશ તો પણ મારામાં બાળકોનું હિત જળવાયેલું રહેશે. બાળકોને યાદ કરતા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ભાવુક થઈ ગયા હતા.
મહેસાણામાં હરિભાઈ પટેલ પર વિશ્વાસ
જ્યારે મહેસાણા સીટ પરથી લોકસભામાં આજે નવું જ નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં સાંસદ શારદાબેનની ટિકીટ કપાઈ હતી. જિલ્લા પંચાયતના સદસ્ય હરિભાઈ પટેલેને ટિકીટ આપી હતી. મહેસાણા સીટ પર લાંબા સમયથી અનેક નામો ચાલતા હતા. મહેસાણાના ઊંઝા તાલુકાના સુણોક ગામના પટેલ હરિભાઈ નથ્થુંભાઈ નો જન્મ 1 જૂન 1961 ના રોજ થયો હતો.જ્યાં તેઓ હાલમાં નિવૃત છે.અને ખેતી સાથે જોડાયા છે. તેમજ તેમણે અભ્યાસમાં Com.G.D.A. એપ્લાઇડ આર્ટ તેમજ પૂર્વ પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. તેમજ 84 કડવા પાટીદાર સમાજથી તેઓ આવે છે. હરિભાઈ પટેલ 2010માં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમજ 2021માં પણ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમજ જિલ્લા પંચાયત મહેસાણાની 13 કામલી સીટ પરથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે 2005 માં 6000 મતોથી વિજય બન્યા હતા.
સાબરકાંઠાના નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા
શોભનાબેન બારૈયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. 50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે હવે ચૂંટણી લડવા માટે તેમણે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે. નોંધનીય છે કે સતત ત્રીજી વખત પ્રાંતિજ તાલુકાને સાંસદ પદના ઉમેદવાર મળ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને સુરેન્દ્રનગરની ટિકીટ
62 વર્ષના ચંદુભાઇ શિહોરા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. તેમણે BE (સિવિલ)નો અભ્યાસ કરેલો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રહેવાસી છે. ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. કોળી સમાજના સમૂહ લગ્ન અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભના કાર્યો સાથે જોડાયેલા છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને ડૉ. મહેન્દ્ર મુંજપરા કરતા સક્ષમ ચહેરાની જરૂર હતી માટે ચંદુભાઇ શિહોરાને ટિકિટ મળી છે. જેના સાથે જ અહીં ઘણાં સમયથી વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા.
અમરેલીમાં ભાજપનું પાટીદાર ફેક્ટર
સૌરાષ્ટ્રના રાજકારણમાં અતિ મહત્વની મનાતી બેઠક અમરેલી જે રાજકીય ક્ષેત્ર ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લે સુધી કોકડું ગુંચવાયા બાદ અંતિમ સમયે અમરેલી બેઠક ઉપર ભાજપે ભરત સુતરીયાની જાહેરાત કરવામાં આવી છે. અહીં કોંગ્રેસે વીરજી ઠુમ્મરનાં દીકરી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે. આ બેઠક પાટીદાર મતદારો પ્રભુત્વ ધરાવે છે ત્યારે બંને પાર્ટીઓએ પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ છે, લાઠીના જરખિયા ગામના વતની અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરીયા ખેડૂત વ્યસાય સાથે સંકળાયેલા છે. જેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જેઓ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાના જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલ 6 માસથી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.
રાજેશ ચુડાસમાને રિપિટ કર્યા
રાજેશ ચુડાસમાનો જન્મ 10/4/1982 ના થયો હતો. ચોરવાડના વતની રાજેશ ચુડાસમા નિવાસી માંગરોળ માળીયાહાટીના વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે 2012માં ચૂંટાયા હતા. રાજેશભાઈ ચુડાસમાએ ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી છે. રાજેશભાઈ ચુડાસમા 2014 થી હાલના સાંસદ તરીકે કાર્યરત છે. રાજેશભાઈ ચુડાસમા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટ બોર્ડના સભ્ય છે.ભારત સરકારની સ્થાયી સમિતિ કેમિકલ અને ફર્ટિલાઇઝર ના સભ્ય રહી ચૂક્યા છે.તેમજ ભારત સરકારની સલાહકાર સમિતિ કેમિકલ એન્ડ ફલ્ટીલાઇઝરના સભ્ય છે.









