બનાસકાંઠામાં વાવ બેઠકને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા બેઠકને લઈ પેટા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે.ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેેન્ડેટ આપ્યું છે.સ્વરૂપજી ઠાકોર વાવ વિસ્તારમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે.
સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે હાર્યા હતા
સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
સ્વરૂપજી ઠાકોર ભાજપના સક્રિય કાર્યકર
સ્વરૂપજીએ 2019માં અપક્ષ દાવેદારી કરી હતી
લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી
2022માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા
વાવનો રાજકીય ઇતિહાસ
1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
ગેનીબેને MLA પદેથી રાજીનામું આપતા બેઠક ખાલીચૂંટણીને લઈ નોટીસ જાહેર
1-વાવ વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.
2- ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામને પ્રાંત કચેરી, સુઈગામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, સુઈગામને મામલતદાર કચેરી, સુઈગામ ખાતે મોડામાં મોડું તા.૨૫/૧૦/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
3- નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમય પર મળી શકશે
4-નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ પ્રાંત કચેરી, સુઈગામ ખાતે તા.૨૮મી ઓક્ટોબર ૨૦૨૪(સોમવાર) ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે
5- ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ઉપરના ફકરા (૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૩૦/૧૦/૨૦૨૪ (બુધવાર) ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલાં પહોંચાડી શકશે
6-ચૂંટણી લડાશે તો મતદાન તા. ૧૩/૧૧/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારી ૦૭- વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,સૂઇગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
૩૨૧ પોલીંગ સ્ટેશન
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ P.W.D મતદારોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે.
રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
આચારસંહિતા લાગુ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
1-ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- ૧૮/૧૦/૨૦૨૪
2-ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૦/૨૦૨૪
3-ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- ૨૮/૧૦/૨૦૨૪
4-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪
5-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪
6-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪
7-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪









