બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઇવે 56 પર ભારજ નદી પર નવો બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ સાંસદના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. આ બ્રિજ બે વર્ષ પૂર્વે ભારે પૂરને કારણે તૂટી ગયો હતો. અત્યારે તૂટેલા બ્રિજની બાજુમાં NHAIના ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. આ બ્રિજને નવો બનાવવા સંસદ સભ્ય સહિત છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને આગેવાનોએ દિલ્હી ખાતે બાંધકામંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી રજૂઆતો પણ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે સાંસદે રજૂઆત કરતા નવો બ્રિજ બનાવવા સ્થાનિક NHAI તંત્રથી લઈ દિલ્હી સડક મંત્રાલય સુધીના ચક્રો ગતિમાન કરાયા હતા. અને રૂા.36 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી મળી હતી. અંતે આજે સવારે છોટાઉદેપુરના સાંસદની અધ્યક્ષતામાં પાવીજેતપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 પર સિહોદ પાસે ભારજ નદી પર નવીન બ્રિજનુ ખાતમુહૂર્ત કરાયું હતું. રૂા.36 કરોડ જેટલી માતબર રકમમાં 18 માસના ગાળામાં બ્રિજ તૈયાર થશે. જેના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ જશુભાઇ રાઠવા સાથે ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા, પ્રતીક સોની કાર્યપાલક ઇજનેર, એપીએમસી ચેરમેન, સરપંચો, સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્રણ રાજ્યોને જોડતા ધોરીમાર્ગ પર નવીન બ્રિજ મંજૂર થતા જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી હતી.










