- માછલીની જાળમાં ફસાતા યુવાનનો મૃતદેહ બીજા દિવસે મળ્યો
- નહાવા પડેલા ત્રણ જણ પૈકી વિનેશ ભીલનો મગરે શિકાર કરતા ચકચાર
- પ્રથમ તસવીરમાં ભોગ બનનાર વિનેશ ભીલ અને નદી કાંઠે લોકોની ભીડ.
કવાટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીના ઘાટ પર ગઈકાલે સમી સાંજે ન્હાવા પડેલા ત્રણ યુવાનો પૈકી વિનેશભાઈ ભીલને મગર ખેંચી ગયો હતો. ગુમ થયેલા યુવાનની નર્મદા નદીમાં શોધખોળ હાથ ધરી હતી. છેવટે તેનો મૃતદેહ સવારે 8 વાગે માછલી પકડવાની જાળમાં ફ્સાઈને મળી આવ્યો હતો.
ગઈકાલે સમી સાંજે 5 વાગે જ્યારે મગરે આદિવાસી યુવાન દિનેશ વાહરીયા ભીલનો શિકાર કર્યો હતો. ત્યારે વનવિભાગની ટીમ, કવાટ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં નર્મદાઘાટ પાસે યુવાનની શોધખોળ કરવા કામે લાગ્યા હતા.
આ ઘટના અંગે હાફેશ્વરના તુલસી નવજી ભીલે કવાટ પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલ તા.12ના રોજ આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તુલસીભાઇ તથા તેમના ભાઇ શૈલેષ નવજી ભીલ અને તેમના મોટા કાકાનો છોકરો વિનેશ વાહરીયા ભીલ જેની ઉ.વ. 22 વર્ષની છે. તેઓ સાથે હાફેશ્વર ગામે આમલાપાણી ફ્ળીયામાં નર્મદા નદીના પાણીમાં ન્હાવા ગયા હતા. ત્રણેય જણા નર્મદા નદીમાં ન્હાતા હતા. ત્યારે સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં નદીના પાણીમાંથી એક મગર આવી વિનેશનો પગ પકડીને ઉંડા પાણીમા ખેંચી લઇને જતો રહ્યો હતો. જેથી બન્ને જણા બુમા બુમ કરીને નદીના પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. ઘરે જઇને તેમના ઘરના માણસો તથા ફ્ળીયાના માણસોને બનાવની હકીકત જણાવેલ હતી. ત્યારબાદ વિનેશના પિતા વાહરીયાભાઇ ફુલજી ભીલ, ફ્ળીયાના કેમજી આરસીયા ભીલ તથા બીજા માણસો આમલાપાણી ફ્ળીયામાં નર્મદા નદીના કિનારે વિનેશની શોધખોળ કરવા પહોંચ્યા હતા. અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.