- સ્પામાં કામ કરતી યુવતી તેના મિત્ર સાથે હોટલમાં રોકાવવા આવી હતી
- હત્યા કે આત્મહત્યા તે જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
- મૃતકના મિત્રની પણ પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરી
એસજી હાઇવે પર આવેલી ક્રિષ્ના પેલેસ હોટલના એક રૂમમાં સોમવારે બપોરે સ્પામાં કામ કરતી એક યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળ્યાની જાણ થતાં બોડકદેવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હોટલમાં મૃતક યુવતી તેના મિત્ર સાથે આવી હોવાનું બહાર આવ્યુ હતુ. આ અંગે પીઆઇએ જણાવ્યુ કે, યુવતીની હત્યા થઇ છે આત્મહત્યા તે જાણવા માટે માટે પેનલ તબિબ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે. બીજી તરફ, મૃતકના મિત્રની પણ પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરી છે.
એસજી હાઇવે પર આવેલ હોટલના ક્રિષ્ના પેલેસના રૂમ નંબર 303માં મિઝોરમની રેબેકા એફ થનઝાવા નામની યુવતીની લાશ સોમવારે બપોરે મળી આવી હતી. લાશ મળતા હોટલ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી બોડકદેવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં રેબેકા એફ થનઝાવાની ડેડબોડી પર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. પોલીસે વધુ તપાસ કરતા, મૃતક નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી હતી. યુવતી તેના મિત્ર નિશાંત કંસારા સાથે હોટલમાં રહેવા માટે આવી હતી. હોટલના સીસીટીવી ફૂટેજમાં પોલીસને કંઇ મળ્યું નથી. આથી મૃત્યુ કયા કારણોસર થયુ તે જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.










