- બોગસ માર્કશીટ આધારે મારુતિ જેવી કંપનીઓમાં અપાતી ભરતી
- બહુચરાજીની અંબિકા ઝેરોક્ષ માંથી બોગસ માર્કશીટનું રેકેટ ઝડપાયું
- મહેસાણા એલસીબી એ બનાવટી માર્કશીટોનું રેકેટ ઝડપી પાડ્યું
ઔદ્યોગિક ક્ષેત્રે જોરદાર વિકાસ કરતાં બહુચરાજીમાં વિશ્વની દિગ્ગજ કંપનીઓ કાર્યરત છે જેમાં નોકરી અપાવવા માટે કેટલાંક લેભાગુ તત્વો લોકોના લોભ અને મજબૂરીઓ ફાયદો ઉઠાવીને બોગસ માર્કશીટ છાપવાનું અને તેને આધારે મારુતિ અને હોન્ડા જેવી મોટી કંપનીઓમાં નોકરી આપવાનું રેકેટ ચલાવી રહ્યા હતા. જોકે, મહેસાણા એલસીબી પોલીસે આ તત્વોને ખુલ્લા પાડી તેમની ધરપકડ કરી લીધી છે.

યાત્રાધામ બહુચરાજી હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રે પણ અગ્રસ્થાને આવી ગયું છે અને ત્યાં મારુતિ કાર અને હોન્ડા બાઇક જેવી અનેક મોટી કંપનીઓ કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્રે અતિ પછાત બહુચરાજી વિસ્તારના યુવાનોમાં મારુતિ અને હોન્ડા કંપનીઓમાં નોકરી મેળવવાની હોડ લાગી હતી. પરંતુ, લાયકાતના અભાવે નોકરી ન મેળવી શકતા યુવાનો માટે બહુચરાજીના આદિત્ય કોમ્પલેક્ષમાં ચાલતી અંબિકા ઝેરોક્ષ નામની દુકાન અભણ નોકરી વાંચ્છુકો માટે મદદગાર સાબિત થવા લાગી હતી.
બોગસ ડિગ્રીઓ છાપવામાં માહેર અંબિકા ઝેરોક્ષના બે સંચાલકોએ પોતાના કોમ્પ્યુટરમાં જ ધોરણ 10, ધોરણ 12, આઈટીઆઈ અને ડિપ્લોમામાં ડિગ્રીના કાયમી ફર્મા બનાવી દીધા હતા. જે પણ ધોરણ કે ડિગ્રીની કોઈ માર્કશીટ માંગે તો બે જ મિનિટમાં અંબિકા ઝેરોક્ષમાંથી મળી જતી હતી.

એક તરફ યુવાનો વર્ષોની તપશ્ચર્યા બાદ ડિગ્રી મેળવે છે તો અંબિકા ઝેરોક્ષ માંથી બે જ મિનિટમાં જેવી ઈચ્છો એવી ડિગ્રી આપી દેવામાં આવી હતી. આ બોગસ ડિગ્રીઓથી અનેક લોકોએ મારુતિ અને હોન્ડા જેવી કંપનીમાં નોકરીઓ મેળવી લીધા હતી.
મહેસાણા એલસીબીને મળેલી બાતમીના પગલે અંબિકા ઝેરોક્ષમાં રેડ કરી હતી. મહેસાણા એલસીબીના દરોડામાં બોગસ માર્કશીટો, બોગસ ડોક્યુમેન્ટ અને કોમ્પ્યુટર-પ્રિન્ટર સહિતના સાધનો સાથે કુલદીપ સોલંકી અને વિજય ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બહુચરાજી પોલીસમાં બંને આરોપીઓની સાથે અન્ય શકમંદ સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









