• 15થી વધુ વિઝા એજન્ટોના સ્થાનો પર સાગમટે દરોડાની કાર્યવાહી

  • જીગર શુક્લએ નીરવ મહેતા પાસે બોગસ દસ્તાવેજો બનાવ્યાનો ઘટસ્ફોટ
  • રિયાલીટી ડેવલોપર્સના સીક્કા અને કોરા લેટરપેડ ઓફિસમાંથી મળ્યા હતા

સીઆઈડી ક્રાઈમે તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 15 જેટલા એજન્ટોના ત્યાં દરોડા પાડીને દસ્તાવેજો તેમજ ઈલેકટ્રોનિક્સ ગેઝેટ કબ્જે લીધા હતા. બે એજન્ટના ત્યાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાતા તેનો ગુનો દાખલ કર્યો હતો. આ દરોડા દરમિયાન સી.જી.રોડ પરના સમર્થ કોમ્પ્લેક્સમાં આવેલા હાઈટેકના એજ્યુકેશનમાં વિઝા મેળવવા માટે કલાયન્ટોની ખોટી માર્કશીટો, ડીગ્રી સર્ટિફિકેટ તેમજ અનુભવ સર્ટી બનાવાતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સીઆઈડી ક્રાઈમે હાઈટેક એજ્યુકેશનના જીગર શુકલ તેમજ નીરવ મહેતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમના પીઆઈ જે.જી.અમીનએ જીગર પ્રવિણભાઈ શુકલ અને નીરવ મહેતા સામે ગુનો દાખલ કર્યો હતો. હાઈટેકમાંથી મળેલી ઋત્વીક જયેશકુમારના ડીપ્લોમા, ડીગ્રી, ETS TOFEL IBTના રીઝલ્ટની માર્કશીટ તથા આધારકાર્ડ પરના કલાઈન્ટના ફોટો અલગ-અલગ હતા. પટેલ પાયલની જૂદા જૂદા સેમેસ્ટરની 21 માર્કશીટો મળી છે, જે તમામ આઠ વર્ષના સમયગાળાની એકસાથે અને તાજી પ્રિન્ટ થયેલી હતી. પટેલ દિપેશના પાચ સેમેસ્ટરની માર્કશીટ, ડીગ્રી સર્ટી પરના ફોટો પ્રાથમિક દષ્ટિએ અલગ અલગ જણાયા હતા. મહેતા દર્શનની કુલ છ સેમેસ્ટરની માર્કશીટ અને સર્ટી પરના ફોટોગ્રાફ અલગ જોવા મળ્યા હતા. પોલીસે જીગર શુકલની પૂછપરછ કરતા તેણે નીરવ મહેતા પાસે બનાવ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઋત્વીકના પોર્ટફોલીયોમાંથી ઓગષ્ટ,2022થી જૂન,2023 સુધીના રિયાલીટી ડેવલોપર્સના લેટરપેડ અને કલાયન્ટને આપેલી સેલેરી સ્લીપો મળી હતી. આ રિયાલીટી ડેવલોપર્સના સીક્કા અને કોરા લેટરપેડ ઓફિસમાંથી મળ્યા હતા.


  • Follow us on: