• તૈયાર માલ લેવા કોઈ તૈયાર નથી : રત્ન કલાકારો અને કારખાનેદારો મુશ્કેલીમાં

  • જિલ્લામાં હીરાના 1300થી વધુ નાનાં-મોટાં કારખાનાં આવેલાં છે
  • માસિક 8-9 હજારનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા

બોટાદ જિલ્લો કપાસ ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીને કારણે તૈયાર માલની ડિમાન્ડ નથી હીરાની કાચી રફ્ મોંઘી છે. જેને લઈને બોટાદ જિલ્લાના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે.

બોટાદ જિલ્લામાં આશરે 1300થી 1500 જેટલા હીરાના નાના-મોટા કારખાનાઓ આવેલ છે. જેમાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારો રોજી રોટી મેળવી રહ્યા છે. અને માસિક 8-9 હજારનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. ત્યારે હાલ વૈશ્વિક મંદીના કારણે હીરાની કાચી રફ્ મોંઘી છે અને તૈયાર માલ લેવા કોઈ તૈયાર નથી અને વેચાણ પણ કરવામાં આવે તો 10 થી 15 ટકા કિંમત કરતા ઓછા ભાવે હાલ તૈયાર માલની કિંમત થઈ રહી છે જેના કારણે રત્ન કલાકારોના પણ જીવ તાળવે ચોંટયા. કારણ કે કારખાનેદાર માલિકો પણ સમયસર રત્ન કલાકારોને રકમ સમયસર આપી શકતા નથી. તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. જેનું મુખ્ય કારણ એક જ છે કે રફ્ માલની કિંમત વધી છે. જ્યારે તૈયાર માલની લેવાલી નથી. જેના કારણે હાલ રત્ન કલાકારોની રોજીરોટી અને હીરાનો ધંધો આમને આમ શરૂ રહે તેવા આયોજન સાથે હાલ ધક્કો મારીને હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. રત્ન કલાકારો પણ આગામી દિવસોમાં તેજીનો માહોલ આવશે તેવી આશાઓ જીવંત રાખી કામ કરી રહ્યા છે.

રોજગારી મળી રહે તે હેતુથી હાલ કારખાનાં શરૂ છે

આ બાબતે બોટાદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શંકરભાઈ ધોળુ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં 70 % કારખાના હાલમાં શરૂ છે. વૈશ્વિક મંદીને કારણે તૈયાર માલની ડિમાન્ડ નથી હીરાની કાચી રફ્ મોંઘી આવે છે. હાલમાં પડતર ભાવ કરતાં 15 % નીચા ભાવે માલનું વેચાણ કરવું પડી રહ્યું છે. જેને લઈ રત્ન કલાકારો અને કારખાનેદારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તો નાના માણસોને રોજીરોટીની તકલીફ્ ના પડે તેવા હેતુથી હાલ કારખાના શરૂ છે. આ મહિનો કારખાના શરૂ રહેશે. ત્યારબાદ વાવણીનો ટાઈમ આવતા નાના માણસોને ખેતીમાં રોજી રોટી મળી રહેશે. જેથી હીરા ઉદ્યોગના કારખાનાઓમાં રત્ન કલાકારોનો વેગ પણ ઓછો થઈ જશે.

કારખાનેદારો તેજીના માહોલની રાહ જોઈ રહ્યા છે

બોટાદમાં હીરા ઉદ્યોગની સાંપ્રત સ્થિતિને લઈ કારખાનેદાર અજયભાઈ આલગોતર સાથે ટેલિફેનિક વાતચીત કરતા તેઓએ જણાવેલ હતું કે હાલ મંદીના ઓછાયા વચ્ચે હીરા ઉદ્યોગ અવરીત પણે ચાલુ છે અને હાલ લોકોની રોજગારીના પ્રશ્નો ઊભા ન થાય જેની ખાસ તકેદારી રાખી કામ કરવામાં આવી રહ્યું છે. હાલ તો અમો પણ તેજીના માહોલની રાહ જોઈ રહ્યા છીએ. જેથી કરીને લોકોને વધુ રોજગારીની તકો ઊભી થાય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


  • Follow us on: