રાણપુર શહેરમાં ભાદર નદી ઉપરના પુલની દીવાલ કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં હતી જેનો અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરાઈ હતી. ત્યારે તંત્રએ પુલ ઉપરની જર્જરિત દીવાલો તોડી પડાઈ છે અને પાઇપ નાંખીને લોખંડની રેલીંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇને લોકોમાં ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે આ પુલ ઉપરથી મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. કારણ પુલ વટીને 4થી 5 મોટી સ્કૂલ આવેલી છે. તેમજ બેંક અને ખાનગી કંપનીઓ આવેલી છે. આ ઉપરાંત સુપ્ર્રસિદ્ધ સાળંગપુર, ગઢડા, પાળીયાદ જેવા ધાર્મિક સ્થળોને જોડતો આ મુખ્ય પુલ છે. આ પુલ ઉપરથી દરરોજ અનેક યાત્રીઓ પણ પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ દીવાલો તોડીને પાઇપની રેલિંગ મૂકવામાં આવી છે અને આ રેલિંગને વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ છે. જેને લઈને મોટા અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. જેને લઈને રાણપુર શહેર તેમજ પંથકના નાગરિકોએ માંગ કરી છે કે આ પાઇપની રેલીંગ ઉપર મજબૂત જાળીઓ લગાડવામાં આવે તો દુર્ઘટનાને નિવારી શકાય તેમ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે તેના સિમેન્ટના પીલર ઊભા કરવામાં આવ્યા છે. તે પણ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાના છે. પગ મારે તો પીલ્લરના પોપડા ઉખડે છે. ત્યારે આ રેલિંગના કામમાં પણ ક્યાંકને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિકાસના કામો તેમજ મેન્ટેનન્સના કામોમાં લાખો અને કરોડો રૂપિયા ફળવવામાં આવતા હોય છે. ત્યારે આ રાણપુરની ભાદર નદી ઉપરના જર્જરિત દિવાલ તોડીને લોખંડની પાઇપની રેલીંગ બનાવવામાં આવી છે તે પણ ગુણવત્તા યુક્ત ન હોવાનું સામે આવ્યું છે. એથી લોકોની માંગ છે કે જે રેલિંગ છે તેની ફરતે લોખંડની જાળી લગાવવામાં આવે.


  • Follow us on: