• હાઈફાઈ ચોર ચંદીગઢથી ફ્લાઇટમાં આવતા અને લૂંટ કરી દિલ્હી ભાગી જતા

  • બંને એરપોર્ટની નજીક જ હોટેલમાં રોકાતા અને રેકી કરી ઘટનાને અંજામ આપતા
  • આરોપીઓ પંજાબમાં હોવાની બાતમી બંને ટીમને મળી હતી

મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલાં ગેસ કટરથી એટીએમ મશીન તોડી 10.70 લાખની ચોરી કરવાના કેસમાં બે આરોપીની પોલીસે પંજાબથી ધરપકડ કરી છે. આરોપીઓ ચંદીગઢથી ફલાઇટમાં અમદાવાદ આવતા અને ચોરી કરી ફ્લાઇટમાં જ દિલ્હી જતા રહેતા.

મેઘાણીનગરમાં આવેલા ATMમાંથી થોડા દિવસો અગાઉ રૂ.10.70 લાખની ચોરી થતાં મેઘાણીનગર પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ATMની બહાર અને અંદરના CCTV ફૂટેજ તપાસતા બે શખ્સો ગેસ કટરથી ATM તોડીને રોકડ રકમની ચોરી કરીને ત્યાંથી ભાગી ગયા હતા. ઝોન 4 ડીસીપીની LCB ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ, બંને આરોપીઓ પંજાબમાં હોવાની બાતમી બંને ટીમને મળી હતી. આથી એક ટીમ પંજાબ ખાતે પહોંચીને આરોપી સમરજોતસિંઘ અરોડા અને રવીન્દ્રસિંઘ ગીલ ઝડપી પાડયા હતા. બન્ને આરોપીઓને અમદાવાદ લાવીને પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓ ચંદીગઢથી અમદાવાદ ફ્લાઇટમાં આવતા હતા. બંને આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટ મારફતે એરપોર્ટની આસપાસ હોટેલમાં રૂમ ભાડે રાખતા હતા. બાદમાં OLX પરથી ટુ-વ્હીલર ખરીદીને દિવસે જ્યાં અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારમાં આવેલા ATMને ટાર્ગેટ કરતા હતા. બાદમાં અડધી રાત્રે બન્ને શખ્સો બાઇક પર ગેસ કટર લઇને ATM તોડીને રોકડ રકમની ચોરી કરીને હોટેલ પર જતા રહેતા હતા. બીજા દિવસે બંને આરોપીઓ ફ્લાઇટ મારફતે દિલ્હી જતા રહેતા હતા. ATM ચોરી કાંડમાં સમરજોતસિંઘ અરોડા મુખ્ય આરોપી છે.


  • Follow us on: