- અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગનો બનાવ
- પેટ્રોલ પંપ પાસે આવેલી હાઈરાઈઝ ઈમારતના નવમા માળે આગ
- ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે જઈ 64 વ્યકિતનું રૅસ્ક્યૂ કર્યું
અમદાવાદ શહેરમાં આવેલા અને પોશ ગણાતા પ્રહલાદ નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે આવેલી હાઈરાઈઝ કોમર્સ હાઉસ ઈમારતના નવમા માળે આગનો બનાવ બન્યો હતો. આગને લઈ ફાચર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી પાંચથી વધુ ફાયર બ્રિગેડ અને સિનિયર અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આગની ઘટનાને લીધે ઘડીભર નાસભાગ મચી જવા પામી હતી. નવમા માળે લાગેલી આગ તબક્કાવાર 10 અને 11માં માળે પ્રસરી હતી. શરૂઆતના ગાળામાં આગ લાગવાનું કોઈ કારણ જાણવા નહોતું મળ્યું.

બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.
આમ છતાં આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. આગને લીધે બિલ્ડિંગમાં રહેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરના જવાનો આવી જઈને 20થી વધુ કર્મચારીઓને સ્થાનિકોની મદદથી બહાર કાઢી દીધા હતા. આગની ઘટનામાં કુલ 64 વ્યકિતનું રૅસ્કયૂ હાથ ધરાયું હતું. 11મા માળે આગ પ્રસરી જતા ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. સમગ્ર આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.









