અમદાવાદમાં ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શહેરમાં તાજેતરમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને હવે ભાજપના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. શહેરના ખાનપુર સ્થિત ભાજપના સૌથી જૂના કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસની ટીમો તપાસ માટે દોડી ગઈ હતી. હાલમાં કાર્યાલયમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
ગુજરાતના કેટલાક સ્થળોને ફરી એકવાર બોમ્બની ધમકી
ગુજરાતમાં ફરીવાર બોમ્બની ધમકીઓ મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આરોપીઓએ એક બ્રોડ ઈમેલ મોકલીને અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય અને સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય કોબા સ્થિત ભાજપ કાર્યાલય, સહિતની જગ્યાએ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કવોડની ટીમ હાલમાં ભાજપ કાર્યાલય પર તપાસ માટે દોડી ગઈ છે.
અમદાવાદ શહેર પોલીસને ઈમેલ મારફતે જાણ થઈ
સમગ્ર ધમકી બાબતે અમદાવાદ શહેર પોલીસને ઈમેલ મારફતે જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક અસરથી ભાજપ કાર્યાલય પહોંચી તપાસ શરૂ કરી હતી. શહેરના મેયર હિતેશ બારોટ અને ભાજપ શહેર મહામંત્રી ઉમંગ નાયક પણ ખાનપુર ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતાં. પોલીસે સોમનાથ મંદિર, કોબા સ્થિત ભાજપ કાર્યાલય અને ખાનપુર ભાજપ કાર્યાલય પર ચેકિંગ શરૂ કરી દીધું છે.
ઈમેલમાં શું ખુલાસો થયો?
પોલીસને મળેલા ઈમેલમાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ કાર્યાલય, પોલીસ કર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત અલગ અલગ લોકેશન પર બોમ્બ મુક્યા હોવાનો પણ દાવો કરાયો છે. ધમકી આપનારે ઈમેલમાં હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ ઈમેલમાં લખવામાં આવ્યા છે. પોલીસે આ ઈમેલને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat News: મનપાના 5 અધિકારીઓ સામે ACBએ તપાસની માગ કરી, જાણો કોનું નામ લિસ્ટમાં છે?
આ પણ વાંચોઃ Surat News: મનપાના 5 અધિકારીઓ સામે ACBએ તપાસની માગ કરી, જાણો કોનું નામ લિસ્ટમાં છે?
