અમદાવાદ શહેરમાં ફરી એકવાર સાયબર ઉપદ્રવીઓ દ્વારા મોટા પાયે દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની પ્રતિષ્ઠિત 6થી વધુ શાળાઓ તેમજ મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ધમકીભર્યા સંદેશા મળતાં સમગ્ર વહીવટી અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સહિતની શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. ધમકીભર્યા મેઇલમાં સિને જગત અને સંગીત ક્ષેત્રના દિગ્ગજોના નામોનો ઉલ્લેખ કરીને 'બચ્ચન બોમ્બેમાં અને દિલજીત દોસાંજ અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે' જેવી વિચિત્ર વાતો લખવામાં આવી હતી. છેલ્લા ૧૧ મહિનામાં શહેરમાં આવી બોગસ (Hoax) ધમકી મળવાની આ 8મી ઘટના સામે આવી છે.
સ્કૂલ બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવાઈ
ધમકીભર્યો ઈમેઈલ સામે આવતાં જ શાળાઓના સંચાલકોએ કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તમામ ક્લાસરૂમ અને સમગ્ર સ્કૂલ કેમ્પસ ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું.બાળકોમાં ગભરાટ ન ફેલાય તે રીતે શાંતિપૂર્ણ રીતે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ અને બહારના પરિસરમાં લાવવામાં આવ્યા હતા.સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તાબડતોબ વાલીઓને ફોન તેમજ મેસેજ મારફતે જાણ કરીને બાળકોને ઘરે લઈ જવા માટે તાત્કાલિક સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા.અચાનક શાળામાંથી મેસેજ મળતાં જ ચિંતિત અને ગભરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પરિસરે દોડી આવ્યા હતા, જેના કારણે શાળાની આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
