અમદાવાદ અને સુરતના વીજ ગ્રાહકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે. આ વધારાને કારણે બંને શહેરોના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે.
અમદાવાદમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો
અમદાવાદમાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 3.72 રૂપિયાથી વધારીને 4.01 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે વીજ ગ્રાહકોએ હવે પ્રતિ યુનિટ 29 પૈસા વધુ ચૂકવવા પડશે.
સુરતમાં પ્રતિ યુનિટ 34 પૈસાનો વધારો
સુરતના વીજ ગ્રાહકો માટે પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અહીં પ્રતિ યુનિટ સરચાર્જ 2.44 રૂપિયાથી વધારીને 2.78 રૂપિયા કરાયો છે. એટલે કે પ્રતિ યુનિટ 34 પૈસાનો વધારો લાગુ થયો છે.
43 લાખ ગ્રાહકો પર વધારાનો બોજ
ટોરેન્ટ પાવરના આ નિર્ણયથી અમદાવાદ અને સુરતના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકોના વીજ બિલમાં વધારો થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન લાગુ થયેલા નવા દર મુજબ હવે ગ્રાહકોએ વીજ વપરાશની સાથે વધેલો ફ્યુઅલ સરચાર્જ પણ ચૂકવવો પડશે.
