વડોદરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ સહારુલ ઇસ્લામ મામલે ગુજરાત એટીએસે વધુ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી એકે-47 જેવી રાઇફલ, 2 મેગેઝિન અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં છે. તેના મોબાઇલમાંથી જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય, હથિયાર ચલાવવાની તાલીમના વીડિયો અને ગુજરાતનાં સંવેદનશીલ સ્થળોની માહિતી એકત્રિત કર્યાના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે.

હોટલ મિલનમાં રોકાયો હતો


આતંકી વડોદરા રેલવે સ્ટેશન પાસેની મિલન હોટલમાં રોકાયો હોવાની બાતમી ગુજરાત એટીએસને મળ ીહતી જેથી પોલીસે દરોડો પાડ્યો હતો પણ તે પહેલા તે હોટલમાંથી ચેક આઉટ કરીને નિકળી ગયો હતો


 2થી 4 દિવસમાં હુમલાનું હતું પ્લાનિંગ


ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસ દ્વારા વડોદરાની એક હોટેલમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસના જણાવ્યા અનુસાર, આતંકવાદી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. ઝડપાયેલો આરોપી છેલ્લા 7 દિવસથી એટીએસની દેખરેખ હેઠળ હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સંભવિત ટાર્ગેટની રેકી પણ કરી હતી અને આગામી 2થી 4 દિવસમાં આતંકી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીના મોબાઇલ ફોનમાંથી અન્ય આતંકીઓ સાથેના સંપર્ક અને જોડાણના પુરાવા મળી આવ્યા છે. એટીએસના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા હેન્ડલરે આતંકીને આ કામ માટે રૂ. 50 હજાર આપ્યા હતા. એટલું જ નહીં, આરોપી શહાદત મેળવવાની ઇચ્છા ધરાવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ એટીએસ દ્વારા સમગ્ર નેટવર્ક, હેન્ડલર અને સંભવિત હુમલાના ટાર્ગેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મોહમ્મદ સહારુલ ઇસ્લામની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી


વડોદરામાંથી ઝડપાયેલા 22 વર્ષીય શંકાસ્પદ આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામ મામલે ગુજરાત એટીએસની તપાસમાં વધુ વિગતો સામે આવી છે. એટીએસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા એક વર્ષથી જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે પાકિસ્તાનમાં સંપર્ક હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. આરોપીને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનો ટાસ્ક મળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



આસામથી વડોદરા સુધીની તપાસ


એટીએસ હવે આરોપીની આસામથી વડોદરા સુધીની સમગ્ર ગતિવિધિની તપાસ કરી રહી છે. આરોપી આસામથી ભોપાલ અને ત્યાંથી વડોદરા આવ્યો હતો. ત્યારબાદ દાહોદ જઈ ફરી વડોદરા પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે. દાહોદમાં હથિયાર ક્યાંથી મેળવ્યું અને તેને કોણે આપ્યું તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

રૂ. 50 હજાર કોણે અને ક્યાંથી મોકલ્યા?


તપાસમાં જૈશના મુફ્તિ રફીક નામના હેન્ડલરે આરોપીને રૂ. 50 હજાર આપ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ રકમ ક્યાંથી આવી, કોણે મોકલી અને કયા માધ્યમથી પહોંચાડવામાં આવી તેની તપાસ ચાલી રહી છે. એટીએસ આર્થિક વ્યવહારોની કડી પણ તપાસી રહી છે.

યુટ્યુબ પરથી હથિયાર ચલાવવાની તાલીમ


આરોપીએ યુટ્યુબ પરથી એકે-47 જેવા હથિયાર ચલાવતાં શીખ્યું હોવાની વિગતો સામે આવી છે. તેના મોબાઇલમાંથી હથિયાર ચલાવવાની તાલીમના વીડિયો મળ્યા હોવાનું અગાઉ એટીએસે જણાવ્યું હતું. આરોપી પાસેથી એકે-47 જેવી રાઇફલ, 2 મેગેઝિન અને 23 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યાં હતાં.


એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હોવાની આશંકા


આરોપીના મોબાઇલમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટા મળી આવ્યા હતા. એટીએસની તપાસ મુજબ, એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનો ટાસ્ક મળ્યો હોવાની આશંકા છે. આ ઉપરાંત ગુજરાતનાં સંવેદનશીલ સ્થળો અંગે પણ આરોપીએ માહિતી એકત્રિત કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


હુમલા પહેલાં નવો મોબાઇલ લેવાનો હતો


આરોપી હુમલા પહેલાં નવો મોબાઇલ ફોન લેવાની તૈયારીમાં હતો. અગાઉ પણ તેનો ફોન બંધ થયો હોવાની વિગતો સામે આવી છે. તપાસમાં તેની મુસાફરી, ફોન બંધ રાખવાના સમયગાળા અને સંપર્કમાં રહેલા લોકોની કડીઓ જોડવામાં આવી રહી છે.

હુમલા બાદ પાકિસ્તાન જવાની યોજના હોવાની આશંકા


એટીએસના જણાવ્યા મુજબ, કથિત હુમલા બાદ આરોપી પાકિસ્તાન જઈ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાવાની યોજના ધરાવતો હોવાની આશંકા છે. હાલ આસામ અને દાહોદમાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપી સામે ગેરકાયદેસર હથિયાર ઉપરાંત યુએપીએ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.