ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નિપજતા સત્તાવાર અને બિનસત્તાવાર મળીને મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરતનગરના વર્ધમાનનગર વિસ્તારના 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું અવસાન થયું છે, જેઓ અગાઉ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.
આ સિવાય સંજયસિંહ ડોડિયાને સુરતની INS હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. 18 ઓગસ્ટે પ્રકાશમાં આવેલા આ કાંડમાં કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી હાલ 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 લોકોની હાલત અત્યંત નાજુક જણાવાઈ રહી છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ પીડિતો
- ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ગામ: ખરકડી)
- કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ગામ: ભરતનગર)
- સુધીર કાળુભાઇ રાવલ (ગામ: હાથબ)
- કનકસિંહ બનેસિંહ ગોહિલ (એરપોર્ટ રોડ)
- હાર્દિકભાઈ હરેશભાઇ કિલજી (ભરતનગર)
- ઘનશ્યામસિંહ જાડેજા (કાળિયાબીડ)
- હિતેશભાઇ દિલીપભાઈ પરમાર (ગાંધી કોલોની)
- જયેશભાઇ જીતુભાઇ ભટ્ટી
SMCની કાર્યવાહી અને આરોપીઓના રિમાન્ડ
સ્ટેટ મોનિટરિંગ સેલના DIG વિશાલ વાઘેલાએ જણાવ્યું છે કે, આ કેસમાં કડકમાં કડક પુરાવા ભેગા કરીને દાખલારૂપ સજા થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર રઈસ અન્સારીની દારૂ બનાવવામાં મુખ્ય ભૂમિકા સામે આવી છે, જેના SMC દ્વારા 9 દિવસના રિમાન્ડ મેળવાયા છે. ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય બહાર પણ પોલીસ ટુકડીઓ મોકલવામાં આવી છે.
રાજ્ય સરકારનું વલણ અને કડક પગલા
ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર પીડિત પરિવારોની સાથે છે. બેદરકારી દાખવનાર 2 PI અને 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિપક્ષી દળની રાજીનામાની માગણીઓ વચ્ચે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં દારૂબંધી યથાવત રહેશે અને સરકાર ભવિષ્યમાં પણ દારૂબંધી હટાવવા અંગે કોઈ વિચારણા કરશે નહીં.
આ પણ વાંચો - Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર