ભાવનગરમાં ચર્ચિત લઠ્ઠાકાંડ કેસમાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે લાલઆંખ કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાના પગલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ છે. લઠ્ઠાકાંડની આ ઘટનામાં ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આકરા નિર્ણયના ભાગરૂપે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અગાઉ વરતેજ PI સહિત 5 પોલીસ કર્મચારીઓ પર પડી ચૂકી છે ગાજ
ગેરકાયદેસર રીતે થતા કેમિકલ/દારૂના વેચાણ અને આંતરિક સુરક્ષામાં ચૂક બદલ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. આ મામલે અગાઉ વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિત કુલ 5 જેટલા પોલીસ કર્મચારીઓને પણ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તપાસનો ધમધમાટ તેજ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ
LCB PI જેવા ઉચ્ચ અધિકારી સામે લેવાયેલા પગલાંને કારણે સમગ્ર ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. લઠ્ઠાકાંડ સંબંધિત તમામ કડીઓ જોડવા અને જવાબદાર બુટલેગરો તથા તેમની સાથે સંકળાયેલા કડીરૂપ લોકો સામે કડક કાર્યવાહી માટે વિશેષ તપાસ પણ ચલાવવામાં આવી રહી છે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
