રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં પટેલ વાડી પાસે આવેલી 'પ્રાઇમ એન્ટરપ્રાઇઝ' નામની આંગડિયા પેઢીમાં બે અજાણ્યા શખ્સો હથિયાર બતાવીને અંદાજિત રૂ. 19 લાખ રોકડની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

હથિયાર બતાવી રોકડ ભરેલો થેલો લઈ ભાગ્યા


પ્રાપ્ત વિગતો અનુસાર, બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં બે શખ્સો અચાનક ધસી આવ્યા હતા. તેમણે પેઢીના કર્મચારીઓને હથિયાર બતાવી બંધક જેવા બનાવી દીધા હતા અને ટેબલ પર તેમજ તિજોરીમાં રાખેલી રોકડ રકમ માંગી હતી. લૂંટારાઓ અંદાજે રૂ. 19 લાખ રોકડા ભરેલો થેલો આંચકીને ક્ષણવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
Armed Robbery at Angadia Pedhi in Rajkot | ₹19 Lakh Looted

ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટનાસ્થળે


આંગડિયા પેઢીમાં સશસ્ત્ર લૂંટની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આંગડિયા પેઢીમાં રાખેલા હિસાબો અને સીસીટીવી ફુટેજ ચકાસવાની સાથે લૂંટમાં બિનઅધિકૃત કે વધુ રકમ ગઈ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે હથિયારધારી લૂંટારાઓની ભાળ મેળવવા માટે શોધખોળ તેજ કરી છે.