પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. મોવડી મંડળની લાંબી કસરત અને નિરીક્ષકોના અહેવાલો બાદ ભાજપે પ્રથમ તબક્કામાં 8 વોર્ડના કુલ 32 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વોર્ડવાર ઉમેદવારોના નામોની યાદી બહાર આવતાં જ ગાંધીનગર શહેરના રાજકારણમાં ભારે ચર્ચા, અફડાતફરી અને ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અનેક મહત્વપૂર્ણ રાજકીય સમીકરણો જોવા મળ્યા છે. વોર્ડ નંબર 11 માં જનરલ બેઠક હોવા છતાં ભાજપે SC ઉમેદવાર સેજલ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, જ્યારે અનુભવી પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર દાસને પણ ફરી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કામગીરીને ધ્યાને રાખીને વોર્ડ નંબર 3 માંથી અંકિત બારોટ અને વોર્ડ નંબર 5 માંથી હેમાબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપે સગાંવાદના સમીકરણ વચ્ચે પૂર્વ એમએલએ અશોક પટેલના પુત્રવધૂ તન્વી પટેલને વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
bjp

ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર

એક તરફ 8 વોર્ડના નામો જાહેર થઈ ગયા છે, તો બીજી તરફ વોર્ડ નંબર ૨ માં ઉમેદવારની પસંદગીને લઈને ભારે ખેંચતાણ સર્જાઈ છે. ખાસ કરીને ક્ષત્રિય ઉમેદવારના નામને લઈને ભાજપના મોવડી મંડળ વચ્ચે પેચ ફસાયો હોવાનું સામે આવ્યું છે. ટિકિટ મેળવવા માટે દાવેદારો અને સ્થાનિક આગેવાનો વચ્ચે જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે. મનપા પર ફરી એકવાર ભગવો લહેરાવવા ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને પ્રચાર મેદાનમાં ઝંપલાવશે.
bjp2