ગાંધીનગર મનપામાં મેયર સહિતના પદો માટે આજે જાહેરાત કરવામાં આવી છે. મનપાની સામાન્ય સભામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિતના હોદ્દાઓ પર વરણી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આજે કોંગ્રેસે વિપક્ષના નેતાની જાહેરાત કરી દીધી છે. સવારથી જ મનપામાં સામાન્ય સભાને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ ભાજપના સભ્યો માટે મેન્ડેટ નહીં આવતા સભા શરૂ થઈ શકી નહોતી. કોંગ્રેસે મનપા કમિશનર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ ભાજપના શહેર પ્રભારી છેક દોઢ વાગ્યાની આસપાસ મેન્ડેટ લઈને મનપા ખાતે પહોંચ્યા હતાં. ત્યાર બાદ સંકલન અને પક્ષની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની કમાન સોંપી છે.
પક્ષની બેઠકમાં મેયર સહિતના પદોની જાહેરાત કરવામાં આવી
મનપામાં યોજાયેલી સંકલન અને પક્ષની બેઠકમાં મેયર સહિતના પદોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે 29 વર્ષના રૂપસિંહ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે. તેઓ પહેલી વાર જ ચૂંટણી લડ્યા છે અને તેમનો પરિવાર પણ ભાજપ સાથે જોડાયેલો છે. ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે જસપાલસિંહ બિહોલા અને દંડક તરીકે સેજલબેન પરમારને રિપીટ કરવામાં આવ્યાં છે. બીજી બાજુ કોંગ્રેસે વોર્ડ નંબર 6માં જીતેલા કર્મજીતસિંહને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 44 બેઠકો પર ભાજપે 38, કોંગ્રેસે 5 અને અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી છે.
ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં રહ્યા હતાં
મનપાની ચૂંટણી બાદ ઠાકોર અને ચૌધરી સમાજના નામ ચર્ચામાં રહ્યા હતાં. મનપામાં આ વખતે મેયરનું પદ ઓબીસી વર્ગ માટે અનામત હોવાથી ભાજપે સામાજિક સમીકરણોને મોટું મહત્વ આપ્યું છે. જેમાં 29 વર્ષના યુવા નેતા જેમનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે. રૂપસિંહ રાઠોડ આ વખતે પ્રથમવાર જ ચૂંટણી લડ્યા છે અને તેમને ગાંધીનગર મનપાના મેયર તરીકેની લોટરી લાગી છે. આ રેસમાં મહેશ ચૌધરી અને કનૈયાલાલ દેસાઈ પણ ચર્ચામાં હતાં. પરંતુ હવે મેયરની જાહેરાત થઈ હોવાથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી બાદની પ્રથમ સામાન્ય સભા શરૂ થઈ છે. જેમાં હવે આગળની કામગીરીની ચર્ચાઓ કરવામાં આવશે.
