અમદાવાદને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની મળેલી ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જ આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોઈ સ્થાનિક નહીં, પરંતુ વિદેશી ધરતી પરથી રચાયેલું મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાના પુરાવા મળ્યા છે. સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારો ઈમેલ ફ્રાન્સના આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો.


ઇ મેઇલ વર્ષ 2012 માં બનાવવામાં આવ્યું હતું


તપાસ દરમિયાન જે વિગતો સપાટી પર આવી છે તે મુજબ, આ ધમકી [email protected] નામના ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતા માલૂમ પડ્યું છે કે આ ચોક્કસ ઈમેલ એકાઉન્ટ આજકાલનું નહીં, પરંતુ વર્ષ ૨૦૧૨માં બનાવવામાં આવ્યું હતું.


અમેરિકન આઈપી એડ્રેસનો ઉપયોગ


એટલું જ નહીં, આ ઈમેલ આઈડી બનાવવા માટે અમેરિકન આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકામાં બનેલા એકાઉન્ટથી ફ્રાન્સના આઈપી નેટવર્કનો ઉપયોગ કરીને અમદાવાદને નિશાન બનાવવામાં આવ્યું છે.


20 હજાર શીખોના મોતનો બદલો લેવા માટે મેઇલ કરાયો હોવાનો દાવો


આ ઈમેલના મટીરિયલમાં અત્યંત ભડકાઉ અને ડરામણી વાતો લખવામાં આવી છે. ઈમેલમાં સીધો બ્લાસ્ટ કરવાની ધમકી આપવાની સાથે આતંકી માનસિકતા દર્શાવતા લખાયું છે કે, ' 20 હજાર શીખોના મોતનો બદલો લેવા માટે' આ હુમલો કરવામાં આવશે. આ પ્રકારના લખાણથી સ્પષ્ટ થાય છે કે દેશમાં કોમી સૌહાર્દ બગાડવા અને દહેશતનો માહોલ ઊભો કરવા માટે કોઈ સંગઠિત આંતરરાષ્ટ્રીય મોડ્યુલ કામ કરી રહ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમની તપાસ શરુ


હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટરપોલની મદદથી આ ઈમેલ મોકલનાર અસલી ભેજાબાજ સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ લંબાવી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરી દેવામાં આવી છે. 


  • Follow us on: