ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને લઈને એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા છૂટાછેડા ની નકલી અરજી દાખલ કરવામાં આવતા કાયદાકીય આલમ અને ગ્લેમર જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને કોર્ટ તરફથી છૂટાછેડાની નોટિસ મળી હતી. આ નોટિસ જોતા જ બંનેના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કોર્ટમાં કરી જ નહોતી.



કાજલ છેલ્લા 12 મહિનાથી તેમના પિયરમાં રહેતા હોવાનો દાવો


આ નકલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાજલ છેલ્લા 12 મહિનાથી તેના પિયરમાં રહે છે, જે તદ્દન ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે. આ કેસમાં જે વકીલોના નામ અને સનદ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે વકીલોએ પણ કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો છે કે આ અરજીમાં તેમની સહી નથી. કોઈ અજાણ્યા ભેજાબાજે વકીલના સનદ નંબરનો દુરુપયોગ કરીને આ નકલી દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો છે.

અરજદારે પોતે રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવું પડે છે


આ ઘટનાએ કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. નિયમ મુજબ, જ્યાં સુધી અરજદાર પોતે રજિસ્ટ્રાર સમક્ષ રૂબરૂ હાજર ન થાય ત્યાં સુધી કેસ દાખલ થઈ શકતો નથી, તો પછી આ કેસ કોર્ટ સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટી બેદરકારી દર્શાવે છે.

તપાસ કરવા માગ


આ ગંભીર છેતરપિંડી બહાર આવ્યા બાદ, કાજલ મહેરિયાના વકીલે આ શંકાસ્પદ અને નકલી અરજી મામલે ઊંડી તપાસ કરવા માટે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ લેખિત માંગ કરી છે. લોકપ્રિય સિંગરને બદનામ કરવાના ઈરાદે કે અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ, તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

  • Follow us on: