ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનાર પટેલને સંગઠનના અધ્યક્ષપદની જવાબદારી સોંપાઇ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની જાહેરાત કરાઇ છે.
ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે
હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે. આ જાહેરાત ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 દરમિયાન કરવામાં આવી હતી.
અનાર પટેલ સમાજસેવામાં પણ સક્રિય
અનાર પટેલ સમાજસેવામાં પણ સક્રિય છે અને તેમના કાર્યક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણ અને ગ્રામીણ હસ્તકલા વિકાસનો વિશેષ સમાવેશ થાય છે. તેઓ ગ્રામશ્રી નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને ક્રાફ્ટ રૂટ્સ નામનું અભિયાન ચલાવે છે, જેના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા કલાકારો અને હસ્તકલા કારીગરોને ટેકો આપવામાં આવે છે. અનાર પટેલની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 17000 કલાકારોને NID, NIFT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના ક્ષેત્રમાં આગળ વધી શકે.
અનાર પટેલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે.
વ્યવસાય ક્ષેત્રમાં, અનાર પટેલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, જ્યારે શૈક્ષણિક રીતે તેઓ ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ ડિગ્રી ધરાવે છે. માતા આનંદીબેનની જેમ, અનાર પટેલ પણ સામાજિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવે છે. હાલમાં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સામાજિક જવાબદારી સમિતિના સહ-અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે.
મહત્વપૂર્ણ પગલું
અનાર પટેલનું ખોડલધામ ટ્રસ્ટમાં જોડાવું, ટ્રસ્ટના કામકાજ અને સમાજસેવા ક્ષેત્રે વધુ સુવ્યવસ્થા અને પ્રગતિ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.










