સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ રેઇડ કરતાં આ પત્રકાર ભાગી છુટ્યો હતો. એસીબીએ પત્રકાર અને કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સામે ગુનો નોંધ્યો છે. બાંધકામ નહી તોડવા બાબતે કાર્યપાલક ઇજનેર વતી આ પત્રકારે 15 લાખની લાંચ માગી હતી.


અધિકારી અને પત્રકાર સામે ગુનો

એસીબીએ આ મામલે વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧, લિંમ્બાયત ઝોન, સુરત મહાનગર પાલિકા સુરત તથા મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ (પત્રકાર) નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર સુરત. સામે ગુનો નોંધ્યો છે.

અખબારની ઓફિસમાં જ છટકું


 એસીબીએ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ ૧૦૪, શાંતિનગર આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે સલાબતપુરા સુરતમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.

ડિમોલીશનની કાર્યવાહી


એસીબીએ જણાવ્યું કે ફરીયાદીના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં.૧૩૪-૧૩૫ ના બાંધકામની સાઇડ ઉપર સુરત મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી દ્વારા ગઇ તા:૧૦/૧૧/૨૦૨૫ ના રોજ મનાઇ હુકમની નોટીસ આપી ગયેલ અને ગઇ તા:૧૩/૦૨/૨૦૨૬ ના રોજ બાંધકામ વાળી જગ્યાએ નોટીસ ચોંટાડી ડિમોલેશનનુ કામ ચાલુ કરેલ અને ડિમોલેશન ચાર્જ પેટે રૂ.૧,૭૦,૦૦૦/- વસુલી આરોપી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની સુચનાથી ડિમોલેશન બંધ કરાવ્યું હતું.

15 લાખની માંગણી કરી


ત્યારબાદ વિપુલ ગણેશવાલાનો ખાસ માણસ પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ ફરીયાદીને અવાર-નવાર રૂબરૂ મળીને ફરીયાદી પાસે બાંધકામ નહી તોડવાના અવેજ પેટે વિપુલ ગણેશવાલાને રૂ.૨૧,૦૦,૦૦૦/- લાંચની રકમ વ્યવહાર પેટે આપવાની વાત કરેલ જેમાં રકઝક્ના અંતે વિપુલ સાથે ટેલિફોનીક ચર્ચા થયા મુજબ રૂ.૧૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકી તા:૧૯/૦૨/૨૦૨૬ ના રોજ રૂ.૪,૦૦,૦૦૦/- અને સોમવાર સુધીમાં બાકીના રૂ.૧૧,૦૦,૦૦૦/- પુરા કરવાની વાત કરી હતી.

ગંધ આવતા પત્રકાર ભાગ્યો


જે લાંચની રકમ ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૪,૦૦,૦૦૦/- સ્વીકારી તેને શંકા જતા લાંચની રકમ લઈને નાસી ગયેલ તેમજ વિપુલ તપાસ દરમ્યાન મળી આવેલ નહી જે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી પત્રકાર ના મેળાપીપણામાં ગુનાહીત ગેરવર્તણુક આચરી ગુનો કર્યો હતો.


  • Follow us on: