ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બના ધમકીભર્યા મેઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે સુરત શહેરની નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. ધમકીભર્યો મેઈલ મળતા જ સુરત પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી.
નાનપુરા વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન
ધમકીભર્યા મેઈલને પગલે નાનપુરા પાસપોર્ટ ઓફિસ અને તેની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી પોલીસની ટિમ દ્વારા ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ એક અફવા હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
બે દિવસમાં બીજી વખત ધમકી મળતા ચિંતા વધી
ચોંકાવનારી વાત એ છે કે, માત્ર બે દિવસ પહેલા જ પાસપોર્ટ ઓફિસને આ પ્રકારનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ફરી એકવાર તે જ ઓફિસ અને તેની સાથે પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મેઈલના લોકેશન અને આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ ટીમો આ મેઈલ મોકલનાર શખ્સને ઝડપી પાડવા માટે રાત-દિવસ એક કરી રહી છે. હાલમાં બંને ઓફિસોના પરિસરમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.










