વલસાડ જિલ્લાના કપરાડામાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જેમાં 6 ના મોત અને 2 વ્યક્તિ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
કપરાડાનાં કુંભઘાટ પાસે અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડાનાં કુંભઘાટ પાસે ઇકો કાર અને સામે તરફથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે 6 વ્યક્તિના મોત થયા હતા.
મૃતકો આંબા જંગલ વિસ્તારમાં રહેતા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકો આંબા જંગલ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સ્થળ પર પહોંચી
ઘટનાની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










