અમદાવાદ શહેરના વાતાવરણમાં આજે ફરી એકવાર અચાનક મોટો પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે કે ચોમાસુ ફરી પાછું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી. હાઇવે, ગોતા વિસ્તાર, ચાંદખેડા, નારણપુરા અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદના તીવ્ર ઝાપટાં પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાને કારણે અમુક જગ્યાએ હળવું નુકસાન થયાના અહેવાલો પણ છે.

કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

પૂર્વ અમદાવાદમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. CTM વિસ્તાર, જશોદાનગર, મણીનગર, નિકોલ, નારોલ અને નરોડા જેવા વિસ્તારોમાં કાળા વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે થોડો સમય ભારે વરસાદ વરસ્યા બાદ તેની તીવ્રતામાં ઘટાડો થયો હતો અને ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેણે ઉકળાટમાંથી રાહત આપી હતી. પરંતુ આ અણધારી વર્ષાએ ખેતીના પાકને થનારા નુકસાન અંગે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે અને ધીમે ધીમે વાતાવરણ સુધરશે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હજી પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વિદાય લેવાની અને ગુલાબી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે.
  • Follow us on: