ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ જિલ્લાઓમાં અવિરત મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા સોસાયટીઓ અને ગામડાંઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના લીધે મોટી જાનહાનિ નોંધાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 56 લોકોના મોત 

https://twitter.com/sandeshnews/status/2080903476545233090

ગુજરાતમાં પૂરના લીધે 56 લોકોના કરુણ મોત 

મળતી તાજી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યમાં વરસાદી આફત અને પૂરના લીધે અત્યાર સુધીમાં કુલ 56 લોકોના કરુણ મોત નીપજ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર છેલ્લા ચાર દિવસના ગાળામાં એટલે કે 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખુવારી

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા 31 મોતમાંથી મોટાભાગની જાનહાનિ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. અહીં પૂર્ણા, કાવેરી, અંબિકા અને ઓરંગા નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં અનેક લોકો તણાઈ ગયા હતા, તો કેટલાંક સ્થળોએ વીજળી પડવાથી તથા કાચાં મકાનો-દિવાલો ધરાશાયી થવાથી લોકો કાળનો કોળિયો બન્યા હતા.

જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત

આ અગાઉ જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મુસળધાર વરસાદ સાથે પૂરની ગંભીર કટોકટી સર્જાઈ હતી, ત્યારે જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત નીપજ્યા હતા. આમ, અગાઉના 25 અને આ ચાર દિવસમાં નોંધાયેલા 31 મળીને રાજ્યનો કુલ વરસાદી મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે.રાજ્ય સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરીને રાહત-બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ દ્વારા સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. પૂર પીડિતો માટે કેશડોલ્સ અને મૃતકોના પરિવારજનોને સરકારી નિયમોનુસાર તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.