ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં ચોમાસાના ભયાનક વાતાવરણ અને જળબંબાકારની સ્થિતિને લીધે ઉમેદવારોને મુસાફરીમાં પડનારી અગવડતા અને સુરક્ષાને અગ્રતા આપીને આયોગે આગામી 26 જુલાઈના રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે.
34 જાહેરાતો માટેની સંયુક્ત પ્રાથમિક કસોટી હતી
આગામી 26 જુલાઈના રોજ GPSC દ્વારા વિવિધ સંવર્ગની કૂલ 34 જેટલી અલગ-અલગ જાહેરાતો માટે સામાન્ય અભ્યાસ (General Studies)ની સંયુક્ત પ્રાથમિક કસોટી યોજાનાર હતી. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી આશરે 49 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા હતા અને તેઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ હોવા તથા વાહન વ્યવહાર ખોરવાવાની શક્યતાઓને જોતાં આયોગ દ્વારા ઉમેદવારોના હિતમાં પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.
