ગુજરાત માટે આજે મહત્વનો દિવસ છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે થયેલી મીટિંગમાં અમદાવાદને યજમાન પદ આપવા માટે મહોર લાગી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે. આ ડેલિગેશનની હાજરીમાં જ અમદાવાદને યજમાન પદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. વડાપ્રધાન મોદીથી લઈને કેન્દ્રના રમતગમત મંત્રાલય અને ગુજરાત સરકારે પણ ઘણા પ્રસાયો કર્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે.  ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને કોમનવેલ્થ ફેડરેશન દ્વારા મંજૂર કરવામાં આવી છે. 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગ્લાસ્ગો ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું સ્વાગત કરે છે. અમારી પાસે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સેન્ટર છે. અમે વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે કોમનવેલ્થ ગેમ્સને આવકારવા તૈયાર છીએ. 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, કોમનવેલ્થ માટે અમદાવાદને યજમાની મળતા ખુશી થઈ છે. આ ભારતીયો માટે ગૌરવની વાત છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાયો છે. દેશ મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર છે. હવે વિશ્વનો રમતોત્સવ ઘર આંગણે રમાશે. વડાપ્રધાન મોદીના શાસનમાં સ્પોર્ટ્સ ખૂબ ઉંચાઈએ પહોંચ્યુ છે. 


દેશના રમતવીરોમાં ખુશી જોવા મળી

કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળતાં જ દેશના રમતવીરોમાં ખુશી જોવા મળી છે. દિલ્હી ખાતેના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં યુવાન ખેલાડીઓ ઉમટી પડ્યાં છે. આજે સત્તાવાર જાહેરાત થતાં જ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

  • Follow us on: