સુરત શહેરમાં ગત 6 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્તો માટે એક મોટું અને ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજીને સુરતના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને સામાન્ય નાગરિકો માટે કરોડો રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
તંત્રને તાત્કાલિક ધોરણે સર્વે કરવાની સૂચના
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ પોતે સુરતની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને તંત્રને તાત્કાલિક ધોરણે સર્વે કરવા સૂચના આપી હતી. પૂર બાદ શહેરમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 9 હજાર જેટલા સ્વચ્છતાકર્મીઓએ દિવસ-રાત એક કરીને સુરતને સાફ કર્યું છે. અત્યાર સુધીમાં 19 હજાર નાગરિકોને કેશડોલ ચૂકવી દેવામાં આવી છે, જ્યારે નોકરી-ધંધે ન જઈ શકનારા 36 હજાર લોકોને પણ આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે.
નાના વેપારીઓ અને લારી ધારકો માટે મોટી જાહેરાત
સરકારે એવા વેપારીઓની પણ ચિંતા કરી છે, જેમની પાસે વીમો (ઇન્સ્યોરન્સ) નથી. નુકસાનીમાંથી બેઠા થવા માટે સરકાર તેમને સીધી આર્થિક મદદ કરશે. જેમાં લારી અને રેકડી ધારકોને રૂ. 7,500ની આર્થિક સહાય જ્યારે નાના કેબિન ધારકોને રૂ. 25,000ની સહાય આપવામાં આવશે. આ સાથે 50 ફૂટથી વધુની દુકાન ધરાવતા વેપારીઓને રૂ. 50,000ની સહાય કરવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા વેપારીઓને રૂ. 1,00,000ની સહાય કરવામાં આવશે. આ માટે જેમણે GST રિટર્ન ભર્યું હશે, તેમને આ લાભ મળશે.
https://twitter.com/sandeshnews/status/2077304235914637638
લોન અને વ્યાજમાં મોટી રાહત
વેપારીઓ પોતાનો ધંધો ફરી ધમધમતો કરી શકે તે માટે લોન પર આગામી 3 વર્ષ સુધી 7% વ્યાજ સહાય સરકાર ભોગવશે. રૂ. 7 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને રૂ. 20 લાખની લોન અને રૂ. 5 લાખની વ્યાજ સહાય કરવામાં આવશે. રૂ.7.5 લાખનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને રૂ. 25 લાખની લોન અને રૂ. 8 લાખની વ્યાજ સહાય કરવામાં આવશે. રૂ. 7.5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને રૂ. 30 લાખની લોન અને રૂ. 10 લાખની વ્યાજ સહાય આપવામાં આવશે.
આ આખાય પેકેજને કારણે સરકારની તિજોરી પર આગામી 3 વર્ષ માટે રૂ. 550 કરોડનું વધારાનું ભારણ આવશે.
વેરામાંથી મુક્તિ અને અન્ય મહત્વના નિર્ણયો
જે લોકોની દુકાન, ઘર કે વેપારના સ્થળે પાણી ભરાયા છે, તેમને વીડિયો અથવા ફોટોગ્રાફીના પુરાવાને આધારે 1 વર્ષ માટે વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ માટે કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત, કેબિનેટ બેઠકમાં જ્યાં ઓછો વરસાદ થયો છે, તેવા વિસ્તારો માટે કલેક્ટરોને સીધી સૂચના આપીને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાના પણ આદેશ અપાયા છે. અંતમાં નાયબ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું જણાવીને લોકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો - Surat News: બે પાસપોર્ટ ઓફિસ અને એક પોસ્ટ ઓફિસને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી