વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતી બરોડા ડેરી (બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) ના નિયામક મંડળની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો અને ખેંચતાણ બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
બંને દિગ્ગજ નેતાઓની સર્વાનુમતે રિપીટ વરણી
સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સંજોયક બિપીન ગોતા દ્વારા ચેરમેન પદ માટે દિનુ મામાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન પદની જવાબદારી જી. બી. સોલંકીને સોંપવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં ઊંડો અનુભવ અને ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવતા આ બંને દિગ્ગજ નેતાઓની સર્વાનુમતે રિપીટ વરણી કરવામાં આવતાં ડેરીના વહીવટમાં વધુ સુગમતા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત
સહકારી સંગઠનને મજબૂત બનાવવા અને પશુપાલકોના હિતમાં નિર્ણયો લેવા માટે નવી નિમાયેલી બોડી કટિબદ્ધ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. વરણી બાદ નવનિયુક્ત ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જી. બી. સોલંકીનું ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓ અને દૂધ મંડળીઓના પ્રમુખોએ બંને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.
પશુપાલકોના હિતમાં જ કામ કરાશે
હોદ્દો સંભાળ્યા બાદ દિનુ મામાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ડેરી સાથે જોડાયેલા હોવાથી તેમની પાસે બહોળો અનુભવ છે અને ભવિષ્યમાં પણ પશુપાલકોના હિતમાં જ નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેશે. આ સાથે જ, તાજેતરમાં સહકાર વિભાગ દ્વારા 10 ડિરેક્ટરોને પાઠવવામાં આવેલી નોટિસ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સહકાર વિભાગની આ નોટિસનો કાયદાકીય રીતે યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં આવશે.
બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ-પ્રમુખની નિયુક્તિ અગાઉ જ રાજકીય ગરમાવો
ઉલ્લેખનિય છે કે વડોદરાની પ્રસિદ્ધ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ-પ્રમુખની નિયુક્તિ અગાઉ જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. ડેરીના ઓડિટમાં પારદર્શક વહીવટનો અભાવ જોવા મળતા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 81 હેઠળ 10 ડિરેક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ મેળવનારાઓમાં દિનેશ પટેલ, જી. બી. સોલંકી, રણજીત રાઠવા, સતીષ પટેલ, દીક્ષિત પટેલ, સતીષ મકવાણા, રમેશ બારીયા, સંગ્રામ સિંહ રાઠવા, ક્રિપાલસિંહ રાઉલજી અને જીતેન્દ્ર પરમારનો સમાવેશ થાય છે.
