• કોસાડથી ONGC જતી બસમાં 10થી વધુ પ્રવાસી હતા
  • ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ
  • કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

શનિવારે સાંજે કોસાડથી ઓએનજીસી તરફ જતી બીઆરટીએસ બસમાં કતારગામ, ગજેરા સર્કલ નજીક અચાનક આગ દેખાયા બાદ ધુમાડો નીકળતા ગભરાટ ફેલાયો હતો. બનાવને પગલે ડ્રાઈવર અને 10થી વધુ પ્રવાસી જીવ બચાવી ભાગ્યા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી ફાયર બ્રિગેડને જાણ કરવા સાથે નજીકમાં આવેલી હોટલમાંથી પાણી લાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે 4:32 વાગે કતારગામ, ગજેરા સર્કલ નજીક બીઆરટીએસ બસમાં આગ ભડકી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ત્યારબાદ કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં પરિસ્થિતિ થાળે પાડી હતી. બસ કોસાડથી ઓએનજીસી તરફ જતી હતી. ત્યારે આ ઘટના બની હતી. બસમાં 10થી વધુ પ્રવાસી હતા. જે બસમાં આગ દેખાતાની જીવ બચાવી નીચે ઉતરી ગયા હતા. બનાવને પગલે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

ફાયર ઓફિસર યશ મોઢએ જણાવ્યું હતું કે, બસના બોનેટની નીચે વાયરીગમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગ દેખાઈ હતી. ત્યારબાદ ધુમાડો નીક્ળ્યો હતો. ફાયરની ટીમે વાયરીંગ ખોલી નાંખી કુલીંગની કામગીરી કરતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.


  • Follow us on: