સુરતમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે અને મકાન ધડાકાભેર નીચે પડયું છે, મકાન ધરાશાયી થતા કેટલાક લોકો દબાયાની આશંકા છે અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની હતી તો ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે, આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે.
સુરતમાં મકાન ધરાશાયી
સુરતમાં ફરી એકવાર મકાન ધરાશાયી થવાની ઘટના બની છે અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની છે જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા અને અચાનક મકાન ધરાશાયી થયું છે આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને લોકોને બહાર કાઢી રહી છે, ત્યારે આ ઘટનામાં શું જાનહાની થઈ છે તેની માહિતી સામે આવી નથી, પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથધરી
સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથધરી છે, મકાન જર્જરીત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી પણ સામે આવી નથી પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, સુરતના અલગ-અલગ વિસ્તારની 3 ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. મકાનની ગેલેરીનો એક તરફનો આખો ભાગ ધરાશાયી થયો છે.









