અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી કરી છે,જેમાં ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડિમોલેશન થયું છે,સરખેજમાં પાંચ ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ છે,વેજલપુર મામલતદાર અને AMCની ટીમે સાથે રહીને કામગીરી કરી છે તો સરખેજ પોલીસ બંદોબસ્તમાં લાગી હતી.પોલીસ કાફલાને સાથે રાખી દબાણો દૂર કરાયા છે.
અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી
આ સમગ્ર ઘટનામાં પોલીસને દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે,2 કોથળા ભરીને દારૂની ખાલી બોટલો મળી આવી છે,જેમાં બુટલેગર લક્ષ્મણસિંહ ઉર્ફે ક્રિષ્ના રાઠોડ સામે 9 ગુનાઓ નોંધાયા છે,તો બુટલેગર બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.બુટલેગર જીતુ છારા સામે દારૂ, મારામારી સહિત 7 ગુના તો દિપક રાઠોડ સામે 30, નવનીત રાઠોડ સામે 4 ગુનાઓ નોંધાયા છે.
રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત, 958 મિલકત સંબંધિત, 516 જુગાર, 545 અન્ય શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.
હથિયારો સાથે ફરતા તત્વો સામે પણ પગલા ભરવા આદેશ
આ સાથે જ ACP, DCP અને ઉપરના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર પણ ભાર મુકાયો છે. DGPએ 100 કલાકમાં તૈયાર કરાયેલા લિસ્ટ મુજબ પગલા ભરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ એકશન લેવામાં આવશે. જાહેર માર્ગો કે જાહેર જગ્યા ઉપર ટપોરીઓ કે સામાજિક તત્વો પર તરત જ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.









