આણંદના વાસદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે અને એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે જેમાં મૃતકના પરિવારને 20 લાખની સહાય આપવામાં આવશે,બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પથ્થરો તૂટ્યા હતા જેના કારણે આ દુર્ઘટના બની હતી,પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના બનતા દોડધામ મચી હતી.
NHSRCL નિવેદન
સાંજે આણંદ જિલ્લામાં મહી નદીના કૂવાના પાયાના કામ દરમિયાન કોંક્રીટના બ્લોક પડી જતાં 4 કામદારો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ક્રેઈન અને ખોદકામ મશીનોને તાત્કાલિક બોલાવીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો, રાજ્ય પ્રશાસન, પોલીસ વિભાગ અને NDRF દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી. તમામ 4 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. એક કામદાર સારવાર હેઠળ છે અને ત્રણને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા દરેક મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવી રહી છે.
કામદારો ફસાયા હતા
610 મીટર કૂવાના કામમાંથી 582 મીટરનું કામ પૂર્ણ થયું છે. હાલમાં, ત્રણ કૂવાના પાયામાં 28 મીટર બેલેન્સ સિંકિંગનું કામ ચાલુ છે. 2.5 ટન વજનવાળા કોંક્રિટ બ્લોક્સ ડૂબવા માટે ફ્રેમ પર લોડ કરવામાં આવ્યા હતા, જેને HT સ્ટ્રેન્ડ્સ (હાઈ ટેન્શન સ્ટ્રેન્ડ્સ) દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો. ડિઝાઇન મુજબ, 4 સ્ટ્રૅન્ડની સામે 16 સ્ટ્રૅન્ડ આપવામાં આવ્યા હતા. જોકે, સ્ટ્રેન્ડ તૂટવાને કારણે બ્લોક નીચે પડી ગયા હતા અને ચાર કામદારો ફસાઈ ગયા હતા.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. સુરત અને આણંદ શહેર નજીક ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી 200 મીટર લાંબી પેનલો બનાવવા માટે પુલ ઉપર પાટાના ફ્લેશ-બટ વેલ્ડીંગની પ્રક્રિયા થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકનસેન ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને તેના પર આધારિત જે-સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે. આ સિસ્ટમનો ઉપયોગ ભારતમાં પ્રથમ વખત કરાશે.
શિંકનસેન ટેક્નોલોજી શું છે?
બુલેટ ટ્રેનમાં ઝડપ અને મુસાફરોની સુવિધા તેમજ સલામતી માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શિંકનસેન ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેક પરના બ્રિજ અને તેના ઉપર રેલવેના પાટા પાથરવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.