ગ્રાહકોની બાબતોના કેન્દ્રિય મંત્રાલય દ્રારા પેમેન્ટ ટ્રાન્ઝક્શન ફી અંગેના એક પ્રસ્તાવને જો મંજૂરી આપવામાં આવશે તો ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને થતી ખરીદીની તુલનાએ યુપીઆઇ કોડ સ્કેન કરીને થતી ચુકવણીના માધ્યમથી થતી ખરીદી સસ્તી પડશે. સરકાર દ્રારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ સિસ્ટમથી જે કોસ્ટ બેનિફિટ થાય છે તેનો લાભ ગ્રાહકોને આપવા માટેની આ દરખાસ્ત પર વિચારણા કરી રહી છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ દરખાસ્ત અંગે ગ્રાહકોની બાબતોના કેન્દ્રિય મંત્રાલયના અધિકારીઓ ટુંક સમયમાં જ નાણાકીય ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરી તેમના સુચનો મેળવશે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દ્રારા ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને ચુકવણી કરવામાં આવે છે ત્યારે સંબંધિત ચીજવસ્તુ વેચનાર વેપારીને ક્રેડિટ કાર્ડ જારી કરનારી બેંકને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) તરીકે ઓળખાતા 2થી 3 ટકા જેટલા ચાર્જની ચુકવણી કરવી પડે છે. મોટા ભાગના વેપારીઓ આ ચાર્જને ગ્રાહકો પર પાસ ઓન કરતાં નથી અને આ બોજો પોતે જ ઉઠાવે છે.










