સૈદ્ધાંતિક રીતે રૂપિયાના અવમૂલ્યન અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરના વધારાને કારણે મુખ્ય ફુગાવો વધી શકે છે. નોમુરાના અંદાજ મુજબ, દરેક પાંચ ટકા અવમૂલ્યન હેડલાઈન ફુગાવામાં લગભગ 0.26 ટકા અને કોર ફુગાવામાં લગભગ 0.1 ટકા પોઈન્ટનો ઉમેરો કરે છે.


રિટેલ ફુગાવો હળવો કરવા સાથે ફેબ્રુઆરીમાં યોજાનારીઆર્થિક નીતિ નિર્ધારણ બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકાવાની અપેક્ષા હોવા છતાં પણ ડોલર સામે રૂપિયાના રેકોર્ડ અવમૂલ્યનને કારણે ફુગાવા પર દબાણ સર્જાતા ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટિ (એમપીસી) સમક્ષ નવા પડકારો પેદા થયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં એમપીસીની બેઠક પાંચથી સાતમી ફેબ્રુઆરીની વચ્ચે મળવાની છે. ત્યારે વિશ્લેષકો આ નાણાંકીય વર્ષમાં રિટેલ ફુગાવાને હળવો કરવા અને અંદાજિત 6.4 ટકા વૃદ્ધિને ધીમી રાખવાની પૃષ્ઠભૂમિમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. અલબત્ત ચલણની નબળાઈએ પોલિસી ટ્રેડઓફને વધુ ખરાબ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થઈ 87ના સ્તરની નજીક પહોંચ્યો હતો. ગુરૂવારે ડોલર સામે રૂપિયો ઘસાઈ 86.56ના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતો દ્વારા એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે, ચાલુ વર્ષના મધ્ય સુધીમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 87ના સ્તરને તોડી શકે છે. ક્રૂડ ઓઈલની આયાત પર ઘટતાં રૂપિયાની અસર તેમજ કઠોળ તથા ખાદ્ય તેલ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ સહિત આયાત કરવામાં આવતી ઘણી બધી વસ્તુઓને લઈને હાલ સંબંધિત વિભાગોમાં ચિંતા પ્રવર્તી રહી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નિકાસ માટે સકારાત્મક છે પણ આયાતને વધુ મોંઘી બનાવશે. ડિસેમ્બરમાં રિટલ ફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો અને ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વિપરીત સ્થિતિ જોવા મળી હતી. નોમુરાએ તાજેતરની નોંધમાં ઉમેર્યું હતું કે, 2025માં સંચિત દરમાં 100 બેસિસ પોઈન્ટસની અપેક્ષા રાખે છે. આરબીઆઈ વધુ રૂઢિચુસ્ત લવચીક ફુગાવા લક્ષ્ય નાણાંકીય નીતિ માળખાને અનુસરશે તેવી અપેક્ષા છે. જો ચલણની નબળાઈ હોવા છતાં ફુગાવો લક્ષ્યની નજીક છે અને વૃદ્ધિ વલણથી નીચે છે, તો એમપીસી વૃદ્ધિને ટેકો આપવાની અપેક્ષા છે. જેથી ફેબ્રુઆરીની બેઠકમાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા અંગે નિર્ણય લેવાય તેવી ધારણા છે.


  • Follow us on: